Teacher beats up students in Odisha: ઓડિશાના મયુરગંજ જિલ્લાની એક સરકારી સ્કૂલમાં શારીરિક દંડનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં આ સ્કૂલની એક મહિલા શિક્ષિકાએ કથિત રીતે 31 વિદ્યાર્થીઓને માત્ર એવા કારણે માર માર્યો કે, આ વિદ્યાર્થીઓ સવારની પ્રાર્થના પછી તેમને પગે નહોતા લાગ્યા.
આ પણ વાંચો: ખૂંખાર માઓવાદી સંગઠને 40 વર્ષે હથિયાર નાંખ્યા: છેલ્લા 18 મહિનામાં 500 ઠાર, 2000 નક્સલીઓનું સરન્ડર
ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને વાંસની લાકડીથી માર માર્યો
આ ઘટના બૈસિંગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખંડાદેઉલા સરકારી ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલયમાં બની હતી. મળતી માહિતી પ્રમાણે સહાયક શિક્ષિકા સુકાંતિ કારે પ્રાર્થના પછી આશીર્વાદ લેવા ન આવવા બદલ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને વાંસની લાકડીથી માર માર્યો હતો.
પ્રાર્થના પછી વિદ્યાર્થીઓએ પગે સ્પર્શીને આર્શિવાદ ન લેતા માર્યા
આ ઘટના ગત ગુરુવારની છે. જ્યારે સ્કૂલમાં નિયમિત સવારની પ્રાર્થના સભા યોજાયા બાદ પરંપરા મુજબ બાળકો તેમના શિક્ષકોના પગ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવે છે. જોકે, શિક્ષિકા કાર સભામાં મોડા પહોંચ્યા હતા, અને તેઓ સભામાં પહોંચ્યા ત્યાં સુધીમાં વિદ્યાર્થીઓ અહીં તહી વિખેરાઈ ગયા હતા. ત્યારે ગુસ્સામાં આવીને કારે વિદ્યાર્થીઓને પરત બોલાવ્યા અને તેમને લાઇનમાં ઉભા કર્યા અને લાકડીથી માર માર્યો હતો.
આ પણ વાંચો: કર્ણાટક : SBIમાં હથિયારધારી લૂંટારાઓ ત્રાટક્યા, 58 કિલો સોનું અને 8 કરોડ રોકડની લૂંટ
તપાસ બાદ, સુકાંતિ કારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા
આ હુમલામાં એક છોકરાનો હાથ તૂટી ગયો હતો, જ્યારે એક છોકરી બેભાન થઈ ગઈ હતી. હાલમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. શાળા વ્યવસ્થાપન સમિતિ, મુખ્ય શિક્ષક પૂર્ણચંદ્ર ઓઝા, તાલુકા શિક્ષણાધિકારી બિપ્લબ કાર અને અન્ય અધિકારીઓ સાથે તાત્કાલિક શાળામાં પહોંચી અને પુષ્ટિ કરી કે શિક્ષિકાએ વિદ્યાર્થીઓને શારીરિક સજા આપી હતી. જે કાયદા દ્વારા પ્રતિબંધિત છે. તપાસ બાદ, શિક્ષણ વિભાગે સુકાંતિ કારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે અને કડક કાર્યવાહીની બાયેધરી આપી છે. વિભાગે બાળકોની તબીબી સંભાળની જવાબદારી પણ લીધી છે.