Bharuch News : મિલ્કત વિવાદમાં મહિલાનો રૂ.1.34 લાખ ઉપરાંતની કિંમતનો ઘરવખરીનો સામાન મકાનમાંથી બહાર ફેંકી દઈ નુકસાન પહોંચાડવા મામલે ફરિયાદના આધારે ભરૂચ સીટી સી ડિવિઝન પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
ભરૂચના રચનાનગર ખાતે રહેતા શોભાબેન મોદીએ ફરિયાદમાં કહ્યું હતું કે, અમારા વડીલોપાર્જીત આ મકાનની માલિકીના હિસ્સા માટે મારા ભાઈ યોગેશસિંગ સામે સિવિલ કોર્ટમાં દીવાની દાવો ચાલી રહ્યો છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અમે રહીએ છીએ જ્યારે ઉપરના માળે યોગેશનો પરિવાર રહે છે. ડ્રેનેજની કામગીરી ચાલતી હોવાથી અમે અન્ય મકાનમાં રહેવા માટે ગયા હતા. જ્યાંથી ગઈ તા.5 જુલાઈના રોજ ઘરે પરત આવતા ઘરનો સામાન ગાયબ હતો. યોગેશને આ બાબતે કહેતા જણાવ્યું હતું કે, મારી પત્ની રીતુએ તમારો સામાન ફેંકી દીધો છે. ફ્રીજ, ઓવન, ટીવી, એસી તથા ઘરવખરી સહિત રૂ.1,34,500ની કિંમતનો સામાન આજ દિન સુધી પરત આપ્યો નથી. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે દંપતિ સામે નુકસાન પહોંચાડવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.