Belated ITR Filing: સરકારે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનુ ચૂકી ગયેલા કરદાતાઓને રાહત આપતાં વધુ એક દિવસની 16 સપ્ટેમ્બરની મુદ્દત આપી હતી. આ ડેડલાઈન પણ ચૂકી જનારાઓએ હવે પેનલ્ટી, કાર્યવાહી સહિતના પડકારોનો સામનો કરવો પડી શકે છે. કરદાતાઓ પોતાનું બિલેટેડ આઈટીઆર (વિલંબિત આઈટીઆર) 31 ડિસેમ્બર, 2025 સુધી ફાઈલ કરી શકે છે. જે કરદાતાઓને કાયદાનું અનુપાલન કરવાનો બીજો વિકલ્પ પ્રદાન કરે છે. જો કે, તેમાં અમુક પેનલ્ટી અને પ્રતિબંધો લાગુ થશે.
બિલેટેડ આઈટીઆર
આઈટીઆર ફાઈલ કરવાની વાસ્તવિક ડેડલાઈન ચૂકી ગયા બાદ બિલેટેડ રિટર્ન ફાઈલ કરી શકાય છે. આવકવેરા અધિનિયન અનુસાર, કરદાતાઓ આંકરણી વર્ષ પૂર્ણ થાય તે પહેલાં અથવા વાસ્તવિક ડેડલાઈન બાદ ત્રણ મહિના સુધી બિલેટેડ આઈટીઆર ફાઈલ કરી શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં 31 ડિસેમ્બર, 2025 સુધી બિલેટેડ આઈટીઆર ફાઈલ થઈ શકશે. આવકવેરા અધિનિયમ હેઠળ કલમ 234 (એફ) અંતર્ગત બિલેટેડ આઈટીઆર ફાઈલ કરતી વખતે લેઈટ ફાઈલિંગ ફી ચૂકવવી પડી શકે છે.
આ પણ વાંચોઃ આજે ITR ફાઈલ કરવાનો છેલ્લો દિવસ, જાણો તમને મૂંઝવતા દરેક સવાલના જવાબ
જો ડેડલાઈન ચૂકી ગયા તો…
આઈટીઆર ફાઈલ કરવાની ડેડલાઈન ચૂકી ગયા તો ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 234 (એફ) હેઠળ લેટ ફી ચૂકવવી પડશે. જે કરદાતાની આવક રૂ. 5 લાખથી વધુ હોય તેઓએ રૂ. 5000 અને રૂ. 5 લાખથી ઓછી આવક ધરાવતા હોય તો રૂ. 1000 લેટ ફી પેટે ચૂકવવા પડશે. વધુમાં અમુક કપાતના લાભો પણ ચૂકી શકો છો. તેમજ કરચોરીના કેસમાં કાર્યવાહીનો ભોગ પણ બની શકો છો. અમુક કિસ્સામાં મોટાપાયે કરચોરીની જાણ થાય તો સંપત્તિ કે રોકડ ટાંચમાં લઈ શકે છે. તેમજ ભવિષ્યમાં આઈટીઆર ફાઈલિંગમાં મળતાં લાભો ગુમાવી શકો છો.
જૂની કર વ્યવસ્થા પસંદ કરવા પર અસર
જૂની કર વ્યવસ્થા પસંદ કરવા માંગતા લોકો માટે 16 સપ્ટેમ્બરની સમયમર્યાદા ચૂકી જવાથી કપાત પર અસર થઈ શકે છે. કલમ 80C હેઠળ ઘર ભાડું ભથ્થું (HRA), હોમ લોન મુદ્દલ અને વ્યાજ અથવા રજા મુસાફરી ભથ્થું (LTA) જેવા લાભોનો દાવો કરવા માટે ITR નિયત તારીખે અથવા તે પહેલાં ફાઇલ કરવું આવશ્યક છે. મોડા રિટર્ન ફાઈલ કરવા પર આ કપાતના લાભો ગુમાવશો.