Rahul Gandhi Gujarat Visit: સુષુપ્ત ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકવા માટે ખુદ હાઇકમાન્ડે મોરચો સંભાળ્યો છે. છેલ્લાં છ મહિનામાં રાહુલ ગાંધી છઠ્ઠીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે (18 સપ્ટેમ્બર) જિલ્લા પ્રમુખોની દસ દિવસીય તાલીમ શિબિરના સમાપનમાં ભાગ લેવા ફરી એક વાર રાહુલ ગાંધી જૂનાગઢ આવવાના હતા પરંતુ હવે તેમણે આજનો કાર્યક્રમ રદ કરીને આવતીકાલે એટલે કે 19 સપ્ટેમ્બરે આવવાનું નક્કી કર્યું છે. માહિતી અનુસાર હવામાન ખરાબ હોવાને કારણે તેમનો ગુજરાતનો આજનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીનો છઠ્ઠો પ્રવાસ, સંગઠનને મજબૂત કરવા રણનીતિ ઘડાઈ
જિલ્લા સ્તરે કોંગ્રેસના માળખાને વધુ મજબૂત બનાવી વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસે નક્કી કર્યુ છે જેના ભાગરુપે સમગ્ર દેશમાં ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. હવે જ્યારે પ્રદેશના નેતાઓ કરતાં જિલ્લા પ્રમુખોને વધુ સત્તા આપવા નક્કી કરાયુ છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પર દિલ્હીથી સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે.
હાલ જે શહેર-જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરાઈ છે જેમના પક્ષ વિશેનું વિઝન અને કામગીરી પર આંતરિક અહેવાલ તૈયાર કરાયો છે તે આધારે મૂલ્યાંકન થઈ રહ્યું છે. 10થી વધુ શહેર-જિલ્લા પ્રમુખોની નબળી કામગીરીને લઈને હાઇકમાન્ડ નારાજ છે. ત્રણ-ચાર દિવસ પહેલાં જ રાહુલ ગાંધીઅ જૂનાગઢની મુલાકાત લઈને પ્રમુખોને પક્ષ ઉપરાંત ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.
મળતી માહિતી અનુસાર આવતીકાલે ફરી એકવાર રાહુલ ગાંધી બપોરે સાડા બાર વાગે કેશોદ ઍરપોર્ટ આવી પહોંચશે. ત્યારબાદ તેઓ સીધા જૂનાગઢ ખાતે પ્રેરણાધામ આશ્રમ પહોંચશે. જિલ્લા પ્રમુખો સાથે સંવાદ કરી સાંજે દિલ્હી પરત ફરશે. હાઇકમાન્ડે શહેર-જિલ્લા પ્રમુખોને અલ્ટીમેટમ આપ્યું છે કે, કાં તો 90 દિવસમાં પક્ષની કામગીરી કરીને દેખાડો અથવા તો હોદ્દો છોડો. હાઇકમાન્ડ હવે જ્યારે ઢીલ દાખવવાના મતમાં નથી. એવું જાણવા મળ્યું છે કે, કેટલાંક શહેર-જિલ્લા પ્રમુખોને હાઇકમાન્ડની રડારમાં છે તે જોતાં તેમની વિદાય નક્કી માનવામાં આવી રહી છે.
સૂત્રોના મતે, વિધાનસભાની ચૂંટણીને જોતાં હાઇકમાન્ડે સૌથી પહેલાં ગુજરાત કોંગ્રેસના માળખાને નવો ઓપ આપવા નક્કી કર્યુ છે સાથે સાથે સંગઠનને વધુ મજબૂત કરવા પર ભાર મૂકયો છે. આ જોતાં ખુદ રાહુલ ગાંધી હવે ગુજરાતના આંટાફેરા વધાર્યાં છે. રાહુલ ગાંધી હવે દરેક જિલ્લામાં એકાદ વાર જઈ કાર્યકરના ઘેર રોકાશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં અડિંગા જમાવશે.