Potat Sorathiya Case: ગોંડલના ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ આજે (18 સપ્ટેમ્બર) બપોરે જૂનાગઢ જેલમાં આત્મસમર્પણ કરશે. સુપ્રીમ કોર્ટ દ્વારા સજા માફીના નિર્ણયને રદ્દ ઠેરવી 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવાનો આદેશ આપવામાં આવ્યા બાદ અનિરુદ્ધસિંહ જાડેજાએ કાયદાકીય પ્રક્રિયાને આધીન થઈ સરેન્ડર કરવાનો નિર્ણય લીધો છે.
અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ધરપકડની લટકતી તલવાર
અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડર સાથે જ તેમના પર અન્ય એક કેસમાં પણ કાયદાકીય ગાળિયો કસાયો છે. રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ સામે આવ્યું હતું અને આ કેસમાં પણ તેમની ધરપકડ થવાની પૂરી સંભાવનાઓ રહેલી છે. આથી, જૂનાગઢ જેલમાંથી જ ટ્રાન્સફર વોરંટના આધારે રાજકોટ પોલીસ તેમની ધરપકડ કરી શકે છે.
આ પણ વાંચો: અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટથી રાહત નહી, 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવાનો આદેશ
શું હતો સમગ્ર મામલો?
ગોંડલમાં 1988માં 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદનના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી. રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને 1988માં સજા માફીના સરકારના હુકમને હાઈકોર્ટે ગેરકાયદે ઠરાવી ચાર સપ્તાહમાં તેને સરન્ડર થવા હુકમ કર્યો હતો. આ હુકમ સામે અનિરૂદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં લીવ પીટીશન કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટમાંથી કોઇ રાહત મળી ન હતી.
સજા માફી અંગે પુનઃવિચારણાની શક્યતા
અનિરુદ્ધસિંહ જાડેજાના જેલમાં ગયા બાદ હવે તેમની સજા માફી અંગે ફરીથી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેલના નિયમો અને તેમના વર્તનને આધારે સજા માફી માટેની અરજી પર રાજ્ય સરકારનો જેલ વિભાગ વિચારણા કરશે. જોકે, આ એક લાંબી કાયદાકીય પ્રક્રિયા છે અને તે અંગેનો નિર્ણય ભવિષ્યમાં લેવામાં આવશે. હાલ પૂરતું, અનિરુદ્ધસિંહ જાડેજાને પોપટ સોરઠિયા હત્યા કેસમાં પોતાની આજીવન કેદની સજા કાપવા માટે જેલવાસ ભોગવવો પડશે. તેમના સરેન્ડરથી ગોંડલ અને રાજકોટ પંથકના રાજકારણ અને સમાજમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે.