Vadodara : વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર ખોડિયાર નગર પાસે આવેલી રઘુકુળ વિદ્યાલયમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને માથામાં કડું મારીને લોહી લુહાણ કરી નાંખ્યો હોવાની ઘટના બની છે.
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીએ કહ્યું હતું કે, હું ધો.10માં અભ્યાસ કરુ છું. આજે કલાસમાં મારી સાથે ભણતો અન્ય વિદ્યાર્થી મોબાઈલનો ઉપયોગ કરી રહ્યો હતો. આ અંગે મેં શિક્ષકને જાણ કરી હતી. જેના કારણે આ વિદ્યાર્થી અને તેનો મિત્ર ઉશ્કેરાયો હતો. તેમણે મને ક્લાસની બહાર નીકળીને જોઈ લેવાની ધમકી આપી હતી. હું જયારે ક્લાસની બહાર નીકળ્યો ત્યારે આ વિદ્યાર્થીએ મારા પર હુમલો કર્યો હતો અને મને હાથમાં પહેરેલું કડું માથામાં મારી દીધું હતું. જેના કારણે હું લોહીલુહાણ થઈ ગયો હતો અને બીજા વિદ્યાર્થીઓ મને ડોકટર પાસે લઈ ગયા હતા.
દરમિયાન મારામારીના પગલે સ્કૂલમાં દોડધામ મચી ગઈ હતી. સ્કૂલે દોડી આવેલા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ કહ્યું હતું કે, સ્કૂલ સંચાલકો મને સમાધાન કરવા માટે સલાહ આપી રહ્યા છે પરંતુ હું સમાધાન નહીં કરું. હું હુમલો કરનાર વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ નોંધાવીશ.