Ahmedabad News : ગુજરાતના માજી સૈનિકો તેમની પડતર માંગણીઓને લઈને છેલ્લા પાંચ વર્ષથી અવારનવાર લેખિત અને મૌખિકમાં સરકારને રજૂઆત કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી માજી સૈનિકો ગાંધીનગરમાં એકઠા થઈને આંદોલન પર ઉતર્યા છે. તેવામાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ગુજરાતના અધ્યક્ષ જીતેન્દ્ર નિમાવત સહિત 100 જેટલાં ભાજપમાં જોડાયેલા માજી સૈનિકોએ પોતાનું રાજીનામું ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને સોંપ્યું છે.
પ્રશ્નોનું નિરાકરણ ન આવતા 100 ભૂતપૂર્વ સૈનિકોએ પક્ષ છોડ્યો
માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ગુજરાતના અધિકૃત લેટરહેડમાં જણાવ્યું છે કે, ‘સમસ્ત ગુજરાતના માજી સૈનિકો દ્વારા વિધાનસભા ચૂંટણી 2022 તથા લોકસભા ચૂંટણી 2024માં ભાજપ પક્ષ માટે પુરા દિલથી ઉમદા કામગીરી કરીને પાર્ટીને વિજયમાં મોટા ફાળો આપ્યો. પરંતુ સરકારે અમારી મહેનતને અવગણીને અમારા પ્રશ્નોનો હજુ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી.’
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ | બોઈંગ અને હનીવેલ કંપની પર USAમાં કેસ, ડિઝાઈનમાં જોખમની જાણ છતાં બેદરકારીનો આરોપ
માજી સૈનિકોએ જણાવ્યું કે, ‘અમે બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હોવા છતાં માજી સૈનિકોના કલ્યાણ માટેના નિયમો તથા જાહેરનામાઓ થયેલા છે, એ નિયમોનું પાલન સરકાર દ્વારા ના કરાવી શકતા હોય અને જો સરકાર અમારું ના સાંભળતી હોય તો સામાન્ય જનતાનું શું સાંભળે? એટલે હવે તમામ માજી સૈનિકોએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.’