Navratri 2025: સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે નવરાત્રિ દરમિયાન મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરાયો છે. નોંધનીય છે કે, આસો માસની નવરાત્રિનો પાવન પર્વ પર લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે. ભક્તો આરતી અને માતાના દર્શનનો લ્હાવો લઈ શકે તે માટે પાવાગઢ ટ્રસ્ટે ખાસ આયોજન કર્યું છે.
દર્શન અને આરતીનો સમય બદલાયો
નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં 20મી અને 21મી સપ્ટેમ્બર (અમાસ) તેમજ 23મી સપ્ટેમ્બર પહેલા નોરતે સવારે 5 વાગ્યે મંદિરના દ્વાર ખુલશે અને રાત્રે 8 વાગ્યે બંધ થશે. જ્યારે 23મીથી 26મી સપ્ટેમ્બર દરમિયાન દરરોજ સવારે 6થી રાત્રે 8 સુધી દર્શન મળશે.
પાંચમા નોરતે (27મી સપ્ટેમ્બર) સવારે 5 વાગ્યે, જ્યારે છઠ્ઠા નોરતે (28મી સપ્ટેમ્બર) સવારે 4 વાગ્યે દ્વાર ખુલશે. સાતમા અને આઠમા નોરતે (29મી અને 30મી સપ્ટેમ્બર) સવારે 5 વાગ્યે, જ્યારે નવમા નોરતેથી પૂનમ સુધી (પહેલીથી ચોથી ઓક્ટોબર) સવારે 6 વાગ્યે દ્વાર ખુલશે. પૂનમના દિવસે પાંચમી અને છઠ્ઠી ઑક્ટોબરે સવારે 5 વાગ્યે દર્શન શરૂ થશે.
આ પણ વાંચો: કિંજલ દવેને ‘ચાર-ચાર બંગડીવાળું’ ગીત ગાવા પર પ્રતિબંધ યથાવત્, હાઈકોર્ટે 7 ડિસેમ્બર સુધી સ્ટે લંબાવ્યો
ઉલ્લેખનીય છે કે, નવરાત્રિમાં ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખી વિવિધ સુવિધાઓ પણ ગોઠવાઈ છે. ગુજરાત એસટી નિગમ દ્વારા પાવાગઢ તળેટીથી માચી સુધી રોજ 50થી 60 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાઇવેટ વાહનોને માચી ઉપર જવા પ્રતિબંધિત રાખવામાં આવ્યા છે. પદયાત્રીઓને સહાય મળે તે માટે હાલોલ જ્યોતિ સર્કલથી પાવાગઢ ડુંગર સુધી ખાસ લાઇટિંગની સુવિધા ઊભી કરાઈ છે.