Climate Change: માનવપ્રેરિત જળવાયુ પરિવર્તનને કારણે સર્જાનારાં આરોગ્ય જોખમોને કારણે આગામી 25 વર્ષમાં ગ્લોબલ ઇકોનોમી વધતી જતી માંદગી અને કર્મચારીઓની અછતને કારણે 1.5 ટ્રિલિયન અમેરિકન ડોલર્સની ઉત્પાદકતા ગુમાવે તેવી ધારણાં છે અને આ સમસ્યા માટે જે દેશો સૌથી ઓછાં જવાબદાર છે તેમને સૌથી વધારે અસર થશે તેમ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપના સહકારથી તૈયાર કરવામાં આવેલાં ધ વર્લ્ડ ઈકોનોમિક ફોરમના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
ક્લાઇમેટ ચેન્જની અસર અને પડકારો
આ અહેવાલમાં જણાવ્યા અનુસાર અન્ન અને કૃષિ, પર્યાવરણ, આરોગ્ય અને વીમાના મહત્ત્વના ક્ષેત્રોમાં તેની સૌથી વધારે અસર થશે. આ અભ્યાસમાં કંપનીઓને કર્મચારીઓના આરોગ્યનું રક્ષણ કરવા તાકીદે પગલાં ભરવાની સલાહ આપવામાં આવી છે. જેથી પરિસ્થિતિ વણસે તે પહેલાં ઉત્પાદકતાને જાળવવા માટે થનારા ખર્ચને નિયંત્રણમાં રાખી શકાય. આ અહેવાલના તારણો દર્શાવે છે કે અતિશય ગરમી, ચેપી રોગો અને અન્ય આરોગ્ય જોખમો જળવાયુપરિવર્તનને કારણે ઝડપથી વધી રહ્યા છે, તેથી આ વ્યૂહ અપનાવવો વેપાર ધંધા માટે ફરજિયાત બની રહ્યો છે.
જળવાયુ પરિવર્તનથી વધતા જોખમો
વર્લ્ડ ઈકોનોમિક ફોરમના ક્લાઈમેટ રેસિલિયન્સ વિભાગના વડા એરીક વ્હાઈટે જણાવ્યું હતું કે, જળવાયુ પરિવર્તનને કારણે સર્જાનારા જોખમો સામે બિઝનેસને યોગ્ય રીતે ચલાવવા માટે કર્મચારીઓના આરોગ્યનું રક્ષણ કરવાનું આવશ્યક બની રહ્યું છે. દર વર્ષે આ નિર્ણયો લેવામાં જેટલો વિલંબ થતો જશે તેમ તેમ માનવ આરોગ્ય સામે જોખમ વધતું જશે અને ઉત્પાદકતા ઘટતી જશે.
ખેતી અને પર્યાવરણ પર ક્લાઇમેટ ચેન્જનો પ્રભાવ
આ અહેવાલમાં જણાવ્યા અનુસાર અન્ન અને કૃષિ ક્ષેત્રમાં જળવાયુપરિવર્તનને કારણે સર્જાનારા આરોગ્ય જોખમોને કારણે 740 અબજ ડોલર્સનો ફટકો પડશે જેના કારણે અન્ન સુરક્ષા પર ગંભીર અસર પડશે. જ્યારે પર્યાવરણ ક્ષેત્રમાં 570 અબજ ડોલર્સની ઉત્પાદકતા ગુમાવવાનું જોખમ છે. જ્યારે આરોગ્યના ક્ષેત્રમાં કામ કરતાં કર્મચારીઓના આરોગ્ય પર થનારી જળવાયુપરિવર્તનની અસરને કારણે ઉત્પાદકતા ઘટવાને કારણે 200 અબજ ડોલર્સનું નુકશાન થશે.
આ પણ વાંચો: હિમાચલમાં મેઘરાજાનો તાંડવ, ચોમાસામાં 424ના મોત, 604 માર્ગો ઠપ, મંડીમાં સૌથી વધુ તબાહી
તાપમાન વધવાથી નોકરીઓ ગુમાવવાનું જોખમ
રોકફેલર ફાઉન્ડેશનના આરોગ્ય વિભાગના ઉપપ્રમુખ નવીન રાવે જણાવ્યું હતું કે, તાપમાન વધવા સાથે અનેક નોકરીઓ નામશેષ થઇ જશે અને તેને કારણે પરિવારો ભીષણ ગરીબીમાં ધકેલાઈ જશે. આ અહેવાલ તૈયાર કરવા માટે વૈજ્ઞાનિક સંશોધનોમાંથી આરોગ્ય વિષયક માહિતી અને રોજગારની માહિતી મેળવવામાં આવી હતી. જ્યારે આર્થિક ગણતરીનો અંદાજ ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ બેન્કના ડેટામાંથી મેળવવામાં આવ્યો છે.