Bharuch Dudhdhara Dairy Election: ભરૂચ જિલ્લામાં દૂધધારા ડેરીની ચૂંટણી રસાકસીભર્યા માહોલ વચ્ચે યોજાવવા જઇ રહી છે કેમકે, ભાજપના સાંસદ અને ધારાસભ્યો સામસામે આવ્યાં છે. દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ એવો આક્ષેપ કર્યો છે કે, ‘જેની પાસે વધુ પૈસા હશે તે ચૂંટણી જીતશે કારણ સહકારી સંસ્થાઓમાં લે વેચ થઈ રહી છે.’ બીજી તરફ વાગરાના ભાજપના ધારાસભ્ય અરુણસિંહે પડકાર ફેંક્યો છે કે, ‘કમળના નિશાન વિના ચૂંટણી જીતીને દેખાડીશું.’
આજે દૂધધારા ડેરીની ચૂંટણી યોજાશે
શુક્રવારે (19મી સપ્ટેમ્બર) દૂધધારા ડેરીની ચૂંટણી યોજાશે. 21 ઉમેદવારોએ ચૂંટણી મેદાન છોડ્યું છે જ્યારે એક બેઠક બિનહરીફ છે. શુક્રવારે 14 બેઠકો માટે મતદાન યોજાનાર છે. આ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ એવો આક્ષેપ કર્યાં કે, ‘ભરૂચમાં સહકારી સંસ્થાઓ મૂળ હેતુથી વિખેરાઈ ગઈ છે. આ જોતાં હવે સહકારી માળખાનું શુદ્ધિકરણ જરૂરી બની ગયું છે. સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં લે વેચ થઈ રહી છે. જેની પાસે વધુ પૈસા હશે તે જીતશે.’
આ પણ વાંચો: સરકારે ભારે કરી! બે સ્લેબ નાબૂદ કર્યા બાદ 7 વસ્તુ પર 12% GST નું નોટિફિકેશન! વેપારી મુંઝાયા
આ તરફ, ધારાસભ્ય અરુણસિંહ રાણાએ સ્પષ્ટ કર્યું છે કે,’સસ્પેન્ડ કરવાથી ફરક પડવાનો નથી. કમળના નિશાન વિના વિકાસ પેનલ ચૂંટણી લડશે અને જીતશે તેનુ કારણ એછે કે, કાર્યકરોનો સાથ-સહકાર છે.’ તેમણે એવી ખાતરી ઉચ્ચારી છે કે, ‘જો જીત થશે તો ખેડૂતોને દૂધના ભાવમાં વધારો કરીને સારો ભાવ આપીશું’
ઉલ્લેખનીય છે કે, ભાજપે સ્પષ્ટ ના પાડી છતાંય ઉમેદવારી નોંધાવતાં 9 સભ્યોને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યાં છે. આમ ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી પ્રતિાનો જંગ બની ગઈ છે. હવે જોવાનું એ રહ્યું કે, મતદારો કોના પર વિશ્વાસ મૂકે છે.