– ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ થઈ
– શેત્રુંજી ડેમ હેઠળના ગામોને એલર્ટ કરાયા, 900 કયુસેક પાણીની આવક-જાવક શરૂ
ભાવનગર : ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ ચોમાસાની શરૂઆતમાં જ છલકાયો ગયો હતો અને ત્યારબાદ ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ થતા વારંવાર ડેમ છલકાયો રહ્યો છે. આ ડેમ આજે શનિવારે ફરી છલકાતા ડેમના કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા હતાં.
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાનો શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતા આજે શનિવારે ફરી છલકાયો હતો, જેના પગલે સવારે ૧૧ કલાકના સમય આસપાસ શેત્રુંજી ડેમના ૧૦ દરવાજા ૧ ફૂટ ખોલાયા હતા અને ૯૦૦ કયુસેક પાણીની આવક-જાવક શરૂ હતી. ત્યારબાદ બપોરના ર કલાકના સમય આસપાસ પાણીની આવક વધતા ડેમના ર૦ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ૧૮૦૦ કયુસેક પાણીની આવક-જાવક શરૂ હતી. સાંજના ૮ કલાકના સમયે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી હતી, જેના પગલે ડેમના ૧૦ દરવાજા બંધ કરવામાં આવ્યા હતા અને ૧૦ દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે.
શેત્રુંજી ડેમમાંથી ૯૦૦ કયુસેક પાણીની આવક-જાવક શરૂ હતી. ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ થતા શેત્રુંજી ડેમ હેઠળના ગામોને એલર્ટ કરાયા હતા તેમ માહિતી આપતા જિલ્લાના સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવેલ છે.
ભાવનગર અને ઘોઘા તાલુકામાં ઝરમર વરસાદ
ભાવનગર શહેર અને ઘોઘા તાલુકામાં આજે શનિવારે ઝરમર વરસાદ પડયો હતો. ઘોઘા તાલુકામાં ૧ મીલીમીટર વરસાદ નોંધાયો હતો, જયારે ભાવનગર શહેરમાં રાત્રીના ૮ કલાકના સમય આસપાસ કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદની આગાહીના પગલે હાલ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે.