Surat Rain : સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરતના ઉધના-નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે વાહનચાલકો ફસાયા હતા અને રસ્તાઓ પર નદીઓની માફક પાણી વહેતું જોવા મળ્યું હતું. ખાસ કરીને રાત્રિના સમયે અસહ્ય ગરમી અને બફારા બાદ વહેલી સવારથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી હતી.
લિંબાયત બાદ આજે આ વિસ્તારોનો વારો પાડ્યો મેઘરાજાએ
હવામાન વિભાગે સુરત અને ભરૂચમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. સુરતના ઉધના, ઉન પાટીયા, ભેસ્તાન વિસ્તારોનો આજે મેઘરાજાએ જાણે વારો પાડી દીધો છે. સતત વરસાદને કારણે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. ગઈકાલે લિંબાયતમાં પણ ધોધમાર વરસાદ વરસી જતાં માત્ર એક કલાકના ગાળામાં સાડા ચાર ઈંચ જેટલી મેઘરાજાએ બેટિંગ કરી હતી.
રાજ્યભરમાં 104 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. નર્મદાના નાંદોદમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે બોડેલી અને હાલોલમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેતપુર પાવી, જાંબુઘોડા, નેત્રંગમાં 3 ઇંચ, જ્યારે સંખેડા, માલપુર, ખાનપુર અને કપડવંજમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત, 35 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. રાજ્યના 11 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ અને 20 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના ખેડૂતો અને નાગરિકોને વરસાદના આગમનથી રાહત મળી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.
આગામી દિવસોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 3 દિવસ સુધી થન્ડર સ્ટોર્મની સંભાવના છે. 22 તારીખે રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે સુરત અને ભરૂચમાં ભારે વરસાદની શક્યતા છે. અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં 108 ટકાથી વધુ વરસાદ
સપ્ટેમ્બર-2025ની સ્થિતિએ સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135 ટકા, ઉત્તર ગુજરાતમાં 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા, પૂર્વ-મધ્યમમાં 110 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 93 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.
વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 145 ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 12 ડેમ એલર્ટ પર તેમજ 17 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 93 ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.