આજે મળસ્કે શહેરમાં વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે નિચાણવાળા વિસ્તારો અને માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા હતા તેમજ કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા હતા.
તરસાલી નવિનો માર્ગ ઉપર આવેલી રાજલક્ષ્મી સોસાયટી પાસે, જયુબિલીબાગ ભક્તિ સર્કલ નજીક અને જાંબુઆ રોડ પર વૃક્ષ ધરાશાયી થયા હતા. આ સિવાય વડસર તરફના માર્ગ ઉપર એક મોટું વૃક્ષ કાર પર તૂટી પડતાં કારને ભારે નુકસાન થયું હતું. તેમજ મકરપુરા એસટી ડેપો નજીક શ્રીનાથજી કોમ્પલેક્ષ પાસે સુકુ ઝાડ કાર પર તૂટી પડતા કારને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે આ બનાવોમાં કોઈ જાનહાની થઈ ન હતી. જ્યારે ભાંડવાડા મંગલેશ્વર ઝાપા પાસે એક તોતિંગ લીમડાનું ઝાડ ધરાશાયી થયું હતું. આ ઝાડ ચાર રિક્ષાઓ પર પડતા તમામ રિક્ષાઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમોએ જેસીબી મશીનની મદદથી રિક્ષાઓને બહાર કાઢી હતી. ફાયર બ્રિગેડને રાતથી જ કૉલ મળવા લાગ્યા હતા. સ્થળ પર પહોંચીને ટીમોએ કટર મશીનની મદદથી ધરાશાયી થયેલા વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. ટીમોએ વૃક્ષોને કાપીને વાહનવ્યવહાર પુનઃ કાર્યરત કર્યો હતો.