મુંબઈ : દેશમાં એવા અનેક ઈન્વેસ્ટરો છે કે, જે તેમના ફિઝિકલ શેર સર્ટિફિકેટ ટ્રાન્સફર કરવવાથી વંચિત રહી ગયા છે, આવા રોકાણકારોને મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ મોટી રાહત આપવા ખાસ છ મહિનાનો સમય આપવાનો નિર્ણય લીધો છે. જે લોકો પાસે હજુ ફિઝિકલ શેર સર્ટિફિકેટ છે, એમને એ ટ્રાન્સફર કરાવવા માટે ખાસ છ મહિનાની વિન્ડો ખોલવાનો નિર્ણય સેબીએ લીધો છે.
સેબીએ આજે બુધવારે જારી કરેલા એક સર્કયુલરમાં જણાવ્યું છે કે, એપ્રિલ ૨૦૧૯ની અગાઉની સમય મર્યાદા લંબાવ્યા પછી, માર્ચ ૨૦૨૧માં આવા ટ્રાન્સફર બંઝ કરવામાં આવ્યા હતા, પરંતુ હજુ ઘણા રોકાણકારો ડોક્યુમેન્ટમાં સમસ્યાઓને કારણે સમય મર્યાદા ચૂકી ગયા હોવાનું અને તેથી તેમને શેર સર્ટિફિકેટો ફરીથી સબમિટ કરવાની તક આપવી જોઈએ એવા મળેલા પ્રતિસાદને લઈ વધુ એક તક આપવાનો નિર્ણય લેવાયો છે.
સેબીને રોકાણકારો તેમ આરટીએ અને લિસ્ટેડ કંપનીઓ તરફથી રજૂઆત મળી હતી કે, કેટલાક રોકાણકારોએ સિક્યુરિટીઝ ટ્રાન્સફર માટે તેમના દસ્તાવેજો ફરીથી લોજ કરવાની સમય મર્યાદા ચૂકી ગયા છે. આ મુદ્દાની ચર્ચા નિષ્ણાતોની પેનલમાં કરવામાં આવી હતી, જેમાં આરટીએ, લિસ્ટેડ કંપનીઓ અને કાનૂની નિષ્ણાતોનો સમાવેશ થતો હતો.
ચર્ચાના આધારે, પેનલે ભલામણ કરી હતી કે, ૩૧, માર્ચ ૨૦૨૧ની રિલોજમેન્ટ માટેની સમય મર્યાદા ચૂકી ગયેલા રોકાણકારો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાને દૂર કરવા માટે, તેમને ટ્રાન્સફર માટે આવા શેર ફરીથી લોજ કરવાની વધુ એક તક આપવામાં આવી શકે છે.
સેબીએ હવે નિર્ણય લીધો છે કે, ફક્ત ટ્રાન્સફર ડીડના ફરીથી રી-લોજમેન્ટ-રજીસ્ટ્રેશન માટે એક ખાસ વિન્ડો ખોલવામાં આવશે, જે ૧લી એપ્રિલ ૨૦૧૯ની અંતિમ તારીખ પહેલા દાખલ કરવામાં આવ્યા હતા અને દસ્તાવેજો/પ્રોસેસ/અથવા અન્ય ખામીને કારણે નકારવામાં આવ્યા હતા કે પરત કરવામાં આવ્યા હતા કે પછી ધ્યાનમાં રાખવામાં આવ્યા ન હતા. આ વિન્ડો ૭, જુલાઈના રોજ ખુલશે અને ૬, જાન્યુઆરી ૨૦૨૬ના રોજ બંધ થશે.
આ સર્કયુલરમાં જણાવાયું છે કે, આ સમયગાળા દરમિયાન, ટ્રાન્સફર માટે ફરીથી લોજ કરાયેલી સિક્યુરિટીઝ ફક્ત ડીમેટ મોડમાં જ ઈસ્યુ કરવામાં આવશે. આવી ટ્રાન્સફર-કમ-ડીમેટ અરજો માટે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે.
લિસ્ટેડ કંપનીઓ, આરટીએ અને સ્ટોક એક્સચેન્જ છ મહિનાના સમયગાળા દરમિયાન દ્વિમાસિક ધોરણે પ્રિન્ટ અને સોશિયલ મીડિયા સહિત વિવિધ માધ્યમો દ્વારા આ ખાસ વિન્ડો ખોલવાનો પ્રચાર કરશે એમ વધુ જણાવાયું છે.