– સુરેન્દ્રનગર જિલ્લા માટે ગોઝારો રવિવાર : હાઈવે રક્તરંજિત બન્યો
– સાયલા નજીક અજાણ્યા વાહનની અડફેટે ચોટીલા મંદિરે જતા બે પદયાત્રીના મૃત્યુ : ફુલગ્રામ પાસે પીકઅપ વાને ડમ્પરે ટક્કર મારતા બાળક સહિત બેના મૃત્યુ
સાયલા : સાયલા-લીંબડી હાઈવે વચ્ચે ૧૮ કલાકમાં જુદા જુદા બે માર્ગ અકસ્માતોમાં એક બાળક સહિત ચાર વ્યક્તિના મોત થયા છે. જ્યારે ૧૨ વ્યક્તિને નાની-મોટી ઈજાઓ થઇ છે.
સાયલા નજીક રવિવારે રાત્રે બે વાગ્યા આસપાસ ધોળકા તેમજ તારાપુર તરફથી ચોટીલા મંદિરે પગપાળા ચાલીને જતાં ચીમનભાઈ ભીખાભાઈ પરમાર અને ભરતભાઈ રતનભાઇ રાઠોડને અજાણ્યા વાહને ઠોકર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સાયલાની સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાંથી સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જ્યાં બંનેના સારવાર દમિયાન મોત થયા હતા.
બીજા બનાવમાં સાયલા-લીંબડી હાઇવે પર આવેલા ફૂલગ્રામ પાસે સાંજના પાંચ વાગ્યેની આસપાસ દાહોદથી ખેત મજૂરી માટે આવતા લોકો અને બાળકો ભરેલા પીકઅપ વાનને ડમ્પરે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો ઇજાગ્રસ્તોની મદદે દોડી જઈ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવાતની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતમાં એક મહિલા (નામ હજુ સુધી સામે આવ્યું નથી)નું સ્થળ પર મોત થયું હતું. જ્યારે એક બાળક (બ્રીજ દેવાભાઈ પલાસ ઉં.વ. ૩ વર્ષ)નું સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ૧૨ વ્યક્તિને નાની-મોટી ઇજા થવામાં પામી છે.
અકસ્માત સમયે પુરતો સ્ટાફ ન હોવાથી સાયલા સરકારી હોસ્પિટલ ખાતે હોસ્પિટલ સ્ટાફ તેમજ સ્થાનિકો વચ્ચે બોલાચાલીનો પણ બનાવ બન્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ઇજાગ્રસ્ત તેમજ મૃતકો તમામ લોકો દાહોદના ધાનપુર, પાવા, રયાવાડ ગામના હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મૃતક મહિલાનું પીએમ સાયલા સરકારી હોસ્પિટલમાં જ્યારે બાળકનું સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં કરવામાં આવશે. આ અકસ્માત બાબતે વધુ તપાસ જોરાવર નગર પોલીસ ચલાવી રહી છે.
ઈજાગ્રસ્તના નામ
(૧) વિક્રમભાઈ ફકરૂ ભાઇ (ઉ.વ. ૧૨)
(૨) બબીબેન બાદલભાઈ સંઘોડ (ઉ.વ. ૩૮)
(૩) રવિભાઈ પ્રદીપભાઈ પલાસ (ઉ.વ.૫)
(૪) પ્રકાશભાઈ ફકરૂ ભાઈ (ઉ.વ. ૨૦)
(૫) પંકજભાઈ નરસિંહભાઈ પરમાર (ઉ.વ.૨૫)
(૬) મંજુબેન પ્રદીપભાઈ (ઉ.વ. ૨૦)
(૭) વર્ષાબેન અશ્વિનભાઈ પરમાર (ઉ.વ.૨૦)
(૮) સુમિત્રાબેન દેવુભાઈ (ઉ.વ.૩૪)
(૯) દેવાભાઈ વરિયાભાઈ (ઉ.વ. ૩૫)
(૧૦) દશા બેન ઈલેશભાઈ (ઉ.વ. ૨૨)
(૧૧) પિયુષ મુકેશભાઈ પરમાર (ઉ.વ. ૨૮)
(૧૨) રેણુકા ફકરુભાઈ (ઉ.વ. ૧૨)