Godhra News: ગોધરાના મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતેના ‘રમઝટ ગરબા મહોત્સવ’માંથી ગરબા રમીને પરત ફરી રહેલા એક પરિવાર પર 6 અસામાજિક તત્વોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં દીકરીના પિતા અને પિતરાઈ ભાઈને ગંભીર ઈજાઓ થઈ છે. આ ઘટના મોતીબાગ પાર્ટી પ્લોટના સેન્ટ આર્નોલ્ડ સ્કૂલમાં બનાવેલા પાર્કિંગ વિસ્તારની બહાર બની હતી. પોલીસે આ મામલે 6 અસામાજિક ઈસમો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ,ગોધરા શહેરના મોતીબાગ ગરબા મહોત્સવમાંથી પરત ફરતી વખતે બ્રહ્મ સમાજના સંકેતભાઈ ભાલચંદ્ર ઉપાધ્યાય અને તેમના પરિવાર પર અજાણ્યા યુવકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એક્ટિવા પર સવાર પિતા-પુત્રી પાર્કિંગની બહાર જઈ રહ્યા હતા, ત્યારે દીકરીના કપડા એક કારના આગળના ટાયરમાં ફસાઈ ગયા હતા. જેથી દીકરીના પિતાએ કારચાલકને કાર થોડી પાછળ લેવા માટે વિનંતી કરી હતી. પરંતુ કારચાલકે કાર પાછળ લેવાની જગ્યાએ ઉશ્કેરાઈને ઝઘડો શરૂ કર્યો અને કાર દીકરી ઉપર ચડાવી દેવાની ધમકી આપી હતી.
કારમાં સવાર અન્ય એક વ્યક્તિએ પોતે પોલીસ ઈન્સ્પેક્ટરનો પુત્ર હોવાનું કહીને પિતા પર હુમલો કર્યો. આ જોઈને કારમાં સવાર અન્ય ચાર ઈસમો પણ બહાર આવ્યા અને છ જેટલા અસામાજિક તત્ત્વોએ પિતા અને તેમની સાથે રહેલા પિતરાઈ ભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનામાં સંકેતભાઈને આંખના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમના પત્ની અને ભાણીયાને પણ ઇજાઓ થઈ હતી.
આ ઘટના સમયે ત્યાં હાજર રહેલા અન્ય લોકોએ હુમલો રોકવાનો પ્રયાસ કર્યો તો હુમલાખોરોએ તેમની સાથે પણ મારામારી કરી હતી. આ સમગ્ર ઘટનામાં દીકરીના પિતા અને તેમના પિતરાઈ ભાઈને ગંભીર ઈજાઓ થઈ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે આ મામલે સફેદ કારમાં સવાર 6 અસામાજિક ઈસમો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ બનાવના પગલે આજે, 29 સપ્ટેમ્બરના રોજ, સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા જિલ્લા સેવાસદન કચેરી અને જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમાજે રજૂઆત કરી હતી કે ઘટનાને 24 કલાકથી વધુ સમય થઈ ગયો હોવા છતાં આરોપીઓ પકડાયા નથી, જેથી પોલીસે તાત્કાલિક અસામાજિક તત્ત્વોની ધરપકડ કરી પીડિત પરિવારને યોગ્ય ન્યાય અપાવે.