Panchmahal News : પંચમહાલના કાલોલ તાલુકાના મલાવ રોડ સ્થિત અંગ્રેજી માધ્યમની અમૃત વિદ્યાલય નામની શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઝાડા-ઉલટી થતાં તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. જેમાં 30 થી 40 જેટલાં વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પાણીની ટાંકીનું પાણી પીવાથી તથા નાસ્તો કર્યા બાદ વિદ્યાર્થીઓની તબિયત લથડી હોવાનું જણાય છે, ત્યારે સમગ્ર ઘટના મામલે આરોગ્ય વિભાગની ટીમે પાણીના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.
અમૃત વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગની ઘટના
મળતી માહિતી મુજબ, કાલોલ તાલુકાના મલાવ રોડ સ્થિત અમૃત વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ગત 26 સપ્ટેમ્બરના રોજ 30-40 જેટલાં વિદ્યાર્થીઓ શાળામાં નાસ્તો કર્યા બાદ એકાએકા ઝાડા-ઉલટી, માથામાં દુખાવો અને તાવ આવતા તબિયત લથડી હતી. આ પછી વિદ્યાર્થીઓને અલગ-અલગ ખાનગી શાળામાં દાખલ કરવામાં આવ્યા છે.
‘મારા દીકરાને આંતરડામાં સોજો આવી ગયો…’
સમગ્ર ઘટના મામલે એક વાલીએ જણાવ્યું હતું કે, ‘ગત શુક્રવારે વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ઈડલી-સંભાર, મેંદુવડા સહિતનો નાસ્તો આપવામાં આવ્યો હતો. આ પછી વિદ્યાર્થીઓને ઝાડા-ઉલટી, તાવ આવ્યો હતો. જેનાથી કેટલાક બાળકોને લોહીની ઉલટી થઈ હતી. મારો દીકરો આઠ વર્ષનો છે, તેને આંતરડામાં સોજો આવી ગયો છે. 20થી વધુ બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વિદ્યાર્થીની સ્થિતિ બહુ ગંભીર હોવાનું જણાય છે.’
આ પણ વાંચો: સેવન્થ ડે સ્કૂલનો મહત્ત્વનો નિર્ણય, જાણો ક્યારથી શરૂ થશે ધોરણ 10 અને 12ના ઓફલાઇન વર્ગો
લોટ અને પૌવામાં જીવાત જોવા મળી
અમૃત વિદ્યાલયમાં ફૂડ પોઇજનની ઘટનાંને લઈ વાલીઓ અને મામલતદાર દ્વારા સ્ટોર રૂમ ચેક કરવામાં આવ્યો હતો. જ્યાં બાળકોને આપવામાં આવતાં ભોજન માટેના લોટ અને પૌવામાં જીવાત જોવા મળી. સિંધવ મીઠાનું પેકેટ પણ એક્સપાયરી ડેટનું મળી આવતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. સમગ્ર મામલે વાલીઓને શાળા-પ્રિન્સિપાલને ઘેરી લીધા હતા. બનાવને લઈને સ્ટોર રૂમને મામલતદાર અને પોલીસ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ ટીમ ન આવે ત્યાં સુધી તાળું મારવામાં આવ્યું છે.
ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમ સ્કૂલમાં તપાસ શરૂ કરી
અમૃત વિદ્યાલયના વાલીઓની રજૂઆતને પગલે ફુડ પોઈઝનિંગ કે પાણી જન્ય રોગની અસર હોવા અંગે પંચમહાલ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમો પણ સ્કુલમાં પહોંચી હતી. બંને ટીમોએ સ્કૂલના કૂકિંગ અને સ્ટોરેજ વિભાગની સ્વચ્છતા, વાસણો, રસોઈ સામગ્રી અને પુરવઠાની મુલાકાત કરી જરૂરી સેમ્પલો લીધા હતા.