Jamnagar Student Cruelty: જામનગરની સરકારી નવાનગર હાઇસ્કૂલમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં એક શિક્ષિકાએ વિદ્યાર્થીના આગળના વાળ કાપી નાંખ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. વિદ્યાર્થીના વાલીનું કહેવું છે કે, ‘અમારા છોકરાએ રડતાં-રડતાં ફોન કર્યો અને આ વિશે જણાવ્યું હતું.’
આ પણ વાંચોઃ અમદાવાદમાં લક્ઝરીની છત પરના સામાનના કારણે ડાળી તૂટી પડતા એક યુવકનું મોત, માનવ વધનો ગુનો દાખલ
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, જામનગરના બેડીના જોડીયાભૂંગા વિસ્તારમાં રહેતો એક સગીર સરકારી નવાનગર હાઇસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીઓને વાલી મિટીંગમાં બોલાવવાના હોવાથી તે શાળાની ઓફિસમાં વાલીનો નંબર લખાવવા માટે ગયો હતો. આ દરમિયાન ધોરણ-12માં ભણાવતા એક શિક્ષિકા પણ ત્યાં બેઠા હતા, તેમણે વિદ્યાર્થીને જોઈને કહ્યું કે, તારા વાળ બહુ વધી ગયા છે. તો વિદ્યાર્થીએ કહ્યું કે, હું કપાવી નાંખીશ. તેમ છતાં શિક્ષિકાએ જાતે જ કાતર લઈને તેના આગળના વાળ કાપી નાંખ્યા હતા.
વાલીઓ રોષે ભરાયા
ત્યાર બાદ કિશોર ડઘાઇ ગયો અને તેણે કોઇકના ફોનમાંથી તેના વાલીને ફોન કર્યો અને રડતાં-રડતાં આખી વાત જણાવી હતી. વાલીઓ આ ઘટનાથી રોષે ભરાયા છે અને જિલ્લા શિક્ષણાધિકારી તેમજ ગાંધીનગરના શિક્ષણ વિભાગ સુધી ફોટા અને ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ એક જ પંડિત-એક જ મંદિર : સમૌ ગામમાં એક જ વર્ષમાં 133 બનાવટી લવ-મેરેજ રજિસ્ટર્ડ
જિલ્લા શિક્ષણાધિકારીએ શું કહ્યું?
સમગ્ર બાબતે જિલ્લા શિક્ષણાધિકારી વિપુલભાઈ મહેતાએ જણાવ્યું કે, હજી સુધી મારી પાસે કોઈ ફરિયાદ આવી નથી. પરંતુ જો આવશે તો ચોક્કસપણે તપાસ થશે અને જવાબદારો સામે પગલા પણ લેવામાં આવશે.