Jamnagar : જામનગર નજીક મોટી ખાવડી સ્થિત ખાનગી ઓઇલ કંપનીમાંથી રૂપિયા 26.12 લાખની કિંમતનો 34,000 લીટર ડીઝલનો જથ્થો ભરીને નીકળેલો ટેન્કર ડ્રાઇવર મહારાષ્ટ્ર પહોંચવાને બદલે રફુ ચક્કર થયો હતો, અને ટેન્કર પણ બિન વારસુ અવસ્થામાં અને ખાલી મળી આવ્યું હતું, જેથી ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક દ્વારા ટેન્કર ચાલક સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મૂળ ગાંધીધામ કચ્છના વતની અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા સચિનભાઈ ધનજીભાઈ લાવડીયા કેજો તેઓ ટ્રાન્સપોર્ટ કંપનીનો વ્યવસાય કરે છે અને પોતાના ટેન્કરમાં મોટી ખાવડીમાંથી રૂપિયા 26.12 લાખની કિંમતના 34,000 ડીઝલનો જથ્થો ગાયબ થયો હતો. જે ટ્રક ટેન્કરને મહારાષ્ટ્રના ચંદ્રપુર વિસ્તારમાં હર્ષા કન્સ્ટ્રકશન કંપનીમાં પહોંચાડવાનું હતું, જે ટ્રક ટેન્કરમાં વાહન ચલાવવા માટે એક મહિના પહેલા જ મૂળ રાજસ્થાનના ઝાલોરનો વતની શકુરખાન અલીખાન નોકરીએ ચડ્યો હતો. જે ગત 10મી તારીખે જામનગરથી જવા માટે રવાના થયા બાદ આજ દિન સુધી નિર્ધારિત સ્થળે પહોંચ્યો ન હતો, અને ટેન્કર ચાલકનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો.
ત્યારબાદ ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકો દ્વારા પોતાના ટેન્કરની શોધ ખોળ શરૂ કરતા હાઈવે રોડના એક ધાબા પરથી બીનવારસુ અને ખાલી અવસ્થામાં મળી આવ્યો હતો. તેમાંથી 34,000લીટર ડીઝલનો જથ્થો ગાયબ થઈ ગયો હતો, જ્યારે ટેન્કર ચાલક પણ લાપતા બન્યો છે. જેથી આ મામલો મેઘપર પડાણા પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ટ્રાન્સપોર્ટર સચીન ભાઈ લાવડીયાની ફરિયાદના આધારે પોલીસે ટ્રકના ચાલક શકુરખાન વલીખાન સામે ગુન્હો નોધી તેને શોધવા માટેની કવાયત શરૂ કરી છે.