Vadodara Crime : વડોદરા શહેરના શિયાબાગ ખાતે કચરાની સૂપડી તૂટી જવાની બાબતને લઈને થયેલી તકરારમાં એક જ પરિવારના સભ્યો અંદરો અંદર ઝઘડતા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે આઠ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
શહેરના નવાપુરા વિસ્તારમાં મંગળદાસ મહોલ્લા ખાતે કચરો નાખવાની સુપડી ઉપરથી બાઈક ફરી વળતા સૂપડી તૂટી જવાની અદાવતે એક જ પરિવારના સભ્યો બાખડયા હતા. દિનેશ પરમારે ફરિયાદ નોંધાવી હતી કે, વિશાલ પરમારને સુપડી તોડવાની બાબતને લઈને અપશબ્દો ન બોલવા જણાવતા વિશાલ પરમાર (રહે-શિયાબાગ, નવાપુરા) જશવંત ઉર્ફે લાલાભાઇ, દીપક જશવંતભાઈ (બંને રહે-પીએનટી ગેટની સામે, કારેલીબાગ) અને દયાશંકરે ફરિયાદી તથા તેના સાળા કૌશિક અને સતીશને માર માર્યો હતો. જ્યારે સામે ફરિયાદી વિશાલ પરમાર જણાવ્યું હતું કે, કાકાના દીકરા દિનેશ પરમારે બાઇક કચરાની સૂપડી પર ફેરવી તોડી નાખી હતી. જે બાબતે ટોકતા દિનેશ પરમાર ,જ્યોતિ પરમાર (બંને રહે-મંગળદાસ મહોલ્લો, શિયાબાગ), કૌશિક રાજપુત અને સતીશ રાજપુત (બંને રહે-મીરાનગર, અલવાનાકા, માંજલપુર) એ હુમલો કરી ફરિયાદીને મોઢાના ભાગે ચાકુ મારતા ચાર ટાકા આવ્યા હતા.