– આંકલાવના આસોદર વાસદ રોડ ઉપર
– ગંભીર ઈજાગ્રસ્તને વાસદથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાતા સારવાર દરમિયાન મૃત્યુ
આણંદ : આંકલાવના આસોદર વાસદ રોડ ઉપર આવેલી કંથારિયા સીમ નજીક બે ટુવ્હીલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક ટુ-વ્હીલર ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે આંકલાવ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે.
આંકલાવ તાલુકાના કંથારિયા ગામના અશોકભાઈ મંગળભાઈ મકવાણા ગત તા. ૧૬મી સપ્ટેમ્બરના રોજ એક્ટિવા લઈને પૈસા લેવા માટે બોદાલ ગામે ગયા હતા. બોદાલ ગામેથી પૈસા લીધા બાદ તેઓ કંથારિયા ખાતે આવવા નીકળ્યા હતા. દરમિયાન આસોદર વાસદ રોડ ઉપર આવેલા લક્ષ્મી કોલ્ડ સ્ટોરેજ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પુરઝડપે આવી ચડેલા અન્ય એક ટુવિલરના ચાલકે એકટીવાને ટક્કર મારતા બંને ટુ-વ્હીલરના ચાલકો રોડ ઉપર પટકાયા હતા. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા.
જાણ કરાતા ૧૦૮ મારફતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંનેને વાસદના સરકારી દવાખાના ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં એકટીવાને ટક્કર મારનારા ટુવિલર ચાલકને વધુ ઇજાઓ થઈ હોવાથી સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. આ બનાવ અંગે આંકલાવ પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.