મુંબઈ : અમેરિકા દ્વારા એચ૧બી વિઝા ફીમાં કરાયેલા વધારાને પરિણામે અમેરિકા ખાતેથી ભારતમાં ડોલરના સ્વરૂપમાં રેમિટેન્સમાં ઘટાડો થવાની તથા રૂપિયા પર દબાણ આવવાની શકયતા જોવાઈ રહી છે. એચ૧બી વિઝા ફીમાં વધારાથી દેશના સેવા ક્ષેત્રને ફટકો પડશે એટલું જ નહીં રેમિટેન્સ ફલો ઘટી જશે એમ એક અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું. અમેરિકામાં એચ૧બી વિઝાધારકોમાંથી ૭૦ ટકા ભારતના નાગરિકો છે જેમાંના મોટાભાગના આઈટી સેવા ક્ષેત્રની કંપનીઓ સાથે સંકળાયેલા છે.
ભારતના સ્કીલ્ડ વર્કરો અમેરિકા જેવા દેશોમાં નોકરી અથવા કામકાજ માટે જાય છે અને ભારતમાં તેઓ વિદેશી નાણાંના પ્રવાહ વધારવાના મુખ્ય સ્રોત બની રહ્યા છે. ઈનવર્ડ રેમિટેન્સમાં ૨૮ ટકા ફલો અમેરિકા ખાતેથી થાય છે, જે અંદાજે ૩૫ અબજ ડોલર જેટલી રકમ થવા જાય છે.
ઊંચી વિઝા ફીને કારણે ભવિષ્યમાં ભારત ખાતેથી એચ૧બી વિઝાધારકોની સંખ્યામાં ઘટાડો થતો જશે તેમ રેમિટેન્સમાં પણ ઘટાડો જોવા મળશે એમ અન્ય એક બેન્કની રિસર્ચ નોટમાં જણાવાયું હતું.
એકદમ ખરાબ સ્થિતિમાં જો ભારત ખાતેથી એચ૧બી વિઝાની સંખ્યા ઘટી જાય તો વાર્ષિક રેમિટેન્સમાં ૪૦ કરોડ ડોલરનો ફટકો પડવાનો અંદાજ છે.
ડોલરના પ્રવાહમાં મોટા ઘટાડાથી ભારતીય રૂપિયાના મૂલ્ય પર દબાણ આવી શકે છે, જેની કામગીરી હાલમાં એશિયાના અન્ય ચલણોની સરખામણીએ એકદમ નબળી છે. રૂપિયો હાલમાં ઘટી પ્રતિ ડોલર ૮૮.૩૧ બોલાઈ રહ્યો છે.
ઊંચી વિઝા ફીને કારણે ભારતની ૨૮૦ અબજ ડોલરની આઈટી સેવા કંપનીઓના કામકાજ પર અસર પડશે. કારણ કે આ કંપનીઓ વિદેશના કલાયન્ટસને સેવા આપવા પોતાના કર્મચારીઓને એચ૧બી વિઝા પર અમેરિકા મોકલે છે.
ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટમાં આઈટી ક્ષેત્રનો હિસ્સો સાત ટકા જેટલો છે અને વિશ્વભરમાં અંદાજે ૬૦ લાખ કર્મચારીઓને રોજગાર પૂરો પાડે છે.
ટેરિફમાં વધારા બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એચ૧બી વિઝાની ફીમાં વધારો કરાતા ભારત તથા અમેરિકા વચ્ચેની વેપાર તાણમાં વધારો થયો છે.
અમેરિકાના નાગરિકોને ઘરઆંગણે રોજગાર મળી રહે તેવા હેતુ સાથે ટ્રમ્પનો આ નિર્ણય આવી પડયો છે, પરંતુ તે તેને જ અવળો પડી શકે એમ છે કારણ કે અમેરિકાની કંપનીઓના ખર્ચમાં વધારો થશે માટે તેઓ ભારત જેવા દેશમાં પોતાના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સનું વિસ્તરણ કરવા લાગશે એમ પણ રિપોર્ટમાં વધુમાં જણાવાયું હતું.
માઈક્રોસોફટ, મોર્ગન સ્ટેન્લી તથા ગુગલ જેવી કંપનીઓ આ અગાઉથી જ ભારતમાં મોટા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ચલાવે છે.