Image Source: IANS
ભારત હંમેશાથી યુક્રેન-રશિયા યુદ્ધને ખતમ કરવા અને શાંતિનું સમર્થક રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન યુદ્ધ પર વાતચીતથી ઉકેલ લાવવાની વાત કરી હતી. પરંતુ તે સમયે અમેરિકા યુક્રેન સૌએ વાતચીતને ફગાવી હતી. રશિયાનું પણ કંઈક એવું જ વલણ હતું, પરંતુ હવે એક બાદ એક નેતાઓની વાતચીત શરૂ થઈ છે. રાષ્ટ્રપ્રમુખ પુતિને વડાપ્રધાન મોદીને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી વાતચીતની માહિતી આપી હતી. વડાપ્રધાન મોદીએ શાંતિ જાળવવાની વાત કરી છે. યુરોપીયન દેશ અને નાટો પણ શાંતિ લાવવાના પ્રયાસમાં લાગ્યા છે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને વચ્ચે યુક્રેન યુદ્ધ પર ચર્ચા થઈ હતી.
મારા મિત્ર મેક્રોન સાથે ખૂબ જ સારી વાતચીત થઈ: વડાપ્રધાન મોદી
આ અંગે વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાત કરતા કહ્યું કે, ‘મારા મિત્ર રાષ્ટ્રપ્રમુખ મેક્રોન સાથે ખૂબ જ સારી વાતચીત થઈ. યુક્રેન અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ માટેના પ્રયાસો પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.’
મેક્રોને પણ X પર શેર કરી પોસ્ટ
ત્યારે, ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું કે, મેં હમણાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી. અમે યુક્રેનમાં યુદ્ધ પર પોતાની સ્થિતિની વાત કરી જેથી યુક્રેન અને યુરોપની સુરક્ષા માટે મજબૂત ગેરેન્ટીની સાથે ન્યાયપૂર્ણ અને સ્થાયી શાંતિને આગળ વધારી શકાય. વ્યાપાર સંબંધી મુદ્દાઓના સંબંધમાં અમે તમામ ક્ષેત્રોમાં પોતાના આર્થિક આદાન-પ્રદાન અને પોતાની રણનીતિક ભાગીદારીને મજબૂત કરવા પર સહમત થયા, જે આપણી સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાની ચાવી છે.
મેક્રોને વધુમાં લખ્યું કે, ગત ફેબ્રુઆરીમાં પેરિસમાં આયોજિત કૃત્રિમ બુદ્ધિમત્તા પર કાર્યવાહી શિખખ સંમેલન બાદ અમે 2026માં નવી દિલ્હીમાં આયોજિત થનારા કૃત્રિમ બુદ્ધિમત્તા પર શિખર સંમેલનની સફળતા માટે કામ કરી રહ્યા છીએ. વધુ અસરકારક બહુપક્ષીયતા માટે અમે G-7 ના ફ્રેન્ચ પ્રમુખપદ અને 2026 માં BRICS ના ભારતીય પ્રમુખપદને ધ્યાનમાં રાખીને નજીકના સંકલન પર સંમત થયા.