Amreli Airport: અમરેલી એરપોર્ટ પર આજે એક ગંભીર દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી, જ્યારે એક મીની એરક્રાફ્ટ લેન્ડિંગ દરમિયાન રનવેની સાઈડમાં સરકી ગયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ચકચાર મચી ગઈ છે. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પ્લેનને સામાન્ય નુકસાન થયું હોવાની માહિતી મળી છે.
લેન્ડિંગ સમયે જીવ તાળવે ચોંટ્યો
પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના બપોરના સમયે બની હતી. પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું આ મીની પ્લેન રનવે પર લેન્ડિંગ કરી રહ્યું હતું. જોકે, લેન્ડિંગની પ્રક્રિયા દરમિયાન કોઈક કારણોસર એરક્રાફ્ટ રનવે પર સીધું રહેવાના બદલે તેની નીચેની સાઈડમાં ત્રાંસુ થઈને સરકી ગયું હતું.
એરક્રાફ્ટ નિયંત્રણ બહાર જઈને રનવેની નજીક જમીન પર સરકવા લાગતા ત્યાં હાજર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ ઘટના કેટલી ગંભીર હતી અને મોટી દુર્ઘટના સર્જાતા માંડ બચી છે.
ઘટના છુપાવવાનો પ્રયાસ?
આ ઘટના બાદ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર દ્વારા આ બાબતને છુપાવવાના પ્રયાસો થયા હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે, સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.
આખરે, અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, “એરક્રાફ્ટને નુકસાન થયું છે, પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. આ એક તાલીમી ફ્લાઇટ હતી.”
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમરેલીમાં એકવાર મીની પ્લેન ક્રેશ થવાની ઘટના ઘટી ચૂકી છે, જેના કારણે આ તાજી ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર ફરી સવાલો ઊભા કર્યા છે. કોઈ જાનહાનિ ન થતાં તંત્ર અને એરપોર્ટ સ્ટાફે હાશકારો અનુભવ્યો છે.