– કરમસદ આણંદ મનપાના બગીચામાં સ્વચ્છતાનો અભાવ
– 15 દિવસથી તૂટેલી લાઈનમાંથી પાણી બાગમાં વહે છે પાણીનું નવું એટીએમ લાઈટના અભાવે ધૂળ ખાય છે
આણંદ : કરમસદ આણંદ મહાનગરપાલિકાના નવા બસ સ્ટેન્ડ સામે આવેલા સરદાર બાગમાં હાલ સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. બાગમાં પાણીની લાઈન ૧૫ દિવસથી તૂટી ગઈ હોવા છતાં રિપેરિંગ ના થતા મુલાકાતીઓને ભીનામાં બેસવાનો વારો આવ્યો છે.
કરમસદ આણંદ મહાપાલિકામાં બે દિવસ અગાઉ સ્વચ્છતા દિવસની ઉજવણીમાં ભાજપના ધારાસભ્ય સહિત કાર્યકરોએ સોશિયલ મીડિયા માટે ફોટો સેશન કર્યું હોય એમ માત્ર સફાઈના ઢોંગ કર્યા હોવાનું જણાઈ આવ્યું છે. નવા બસ સ્ટેન્ડ પાસે આવેલા શાસ્ત્રી સરદારબાગમાં ૧૫ દિવસથી સફાઈ કરવામાં આવી નથી. જેને કારણે હાલ બાગમાં ગંદકી તથા કચરાના ઢગલા ખડકાયા છે. મનપા દ્વારા સરદારબાગની ચારે બાજુ બનાવેલા ૩૩૮ મીટર વોક-વેમાં હજુ સુધી બ્લોક નાખવામાં આવ્યા નથી. પરિણામે વૉક-વેમાં જંગલી ઘાસ ઉગી જતા બાગની પાછળની સાઈડથી જવું પણ મુશ્કેલ બન્યું છે. વૉક-વેનો ઉપયોગ નહીં થતા શોભાના ગાંઠિયા સમાન બન્યો છે. બાગની મધ્યમાં પાણીની લાઈન ૧૫ દિવસથી તૂટી જતા લીકેજ પાઇપથી પાણી નીકળીને આખા ભાગની લોનમાં વહી જાય છે. પાંચ રૂપિયાના ટોકનમાં ઠંડા પાણીનું એટીએમ મશીન ૧૦ દિવસથી લાવીને મૂકી રખાયું છે. પરંતુ હાલ લાઈટની વ્યવસ્થા ના હોવાથી નવું મશીન ધૂળ ખાઈ રહ્યું છે.
મનપાના સફાઈ વિભાગના અધિકારીએ સંપર્ક કરવાનું ટાળ્યું
કરમસદ આણંદ મહાનગરપાલિકાના સફાઈ વિભાગના અધિકારી વિભાકર રાવનો આ સંદર્ભે ફોન કરતા તેમણે સંપર્ક કરવાનું ટાળ્યું હતું.