– ફોજદારી ગુના અંગે જિલ્લા શિક્ષણાધિકારી અવઢવમાં
– 89 શિક્ષકો પાસેથી 13 લાખ વસૂલ કરાયા પણ નિવૃત્ત 23 શિક્ષકો પાસેથી રિકવરી હજુ બાકી
આણંદ : ખેડા જિલ્લા શિક્ષણ કચેરીમાં ૧૧૨ શિક્ષકોએ કમ્પ્યુટરની પરીક્ષાના ખોટા સર્ટિ. રજૂ કરી ઉચ્ચત્તર પગારનો લાભ લીધો હતો. ૮૯ શિક્ષકો પાસેથી રૂા. ૧૩ લાખ વસૂલ કરાયા છે. જ્યારે જ્યારે નિવૃત્ત થઈ ગયેલા ૨૩ શિક્ષકો પાસેથી હજૂ રકમ રિકવર કરવાની બાકી છે. ફોજદારી ગુનો દાખલ કરવા બાબતે જિલ્લા શિક્ષણાધિકારી હજૂ અવઢવમાં છે.
ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં છેલ્લા ઘણાં સમયથી મહેમદાવાદ તાલુકા સહિત જિલ્લાના અન્ય તાલુકાઓમાંથી બોગસ કોમ્પ્યુટર ક્લાસીસના સીસીસી (ત્રિપલ-સી)ના સર્ટિફિકેટ રજૂ કરી અને ૧૧૨થી પણ વધુ શિક્ષકોએ ૯, ૨૦, ૩૧ ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ મેળવ્યો હતો. જે બાબતનો આંતરિક કલહથી મામલો ઉજાગર થયો હતો. જેમાં સૌથી વધુ મહેમદાવાદ તાલુકાના ૧૧૨ જેટલા શિક્ષકોએ ૯ના ઉચ્ચત્તર પગારમાં ૪૨૦૦ રૂપિયા, ૨૦ના ઉચ્ચત્તર પગારમાં રૂા. ૪૪૦૦ અને ૩૧ના ઉચ્ચત્તર પગાર ધોરણમાં રૂા. ૪૬૦૦ જેટલી રકમનો લાભ મેળવ્યો હતો. જેની તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસ કર્યેથી ૮૯ શિક્ષકોએ લીધેલા ઉચ્ચત્તર પગારની રૂા. ૧૩ લાખ જેટલી રકમ જિલ્લા શિક્ષણ કચેરીએ રીકવર કરી આપી દીધી હતી. જ્યારે હજૂ ૨૩ જેટલા શિક્ષકો પાસેથી રિકવરી કરવાની બાકી હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષકો નિવૃત્ત થઈ ગયેલા હોવાથી તેમના પેન્શન કેસોમાંથી આ રકમની રિકવરી કરાશે.
ફોજદારી ગુના અંગે મીટિંગ કર્યા બાદ જણાવાશે : જિલ્લા શિક્ષણાધિકારી
સરકારી પરીપત્ર મુજબ શિક્ષકો વિરૂદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવા બાબતે ખેડા જિલ્લા શિક્ષણાધિકારી પરેશભાઈ વાઘેલાએ મીટિંગ કર્યા બાદ જવાબ આપવાનું જણાવ્યું હતું.