Gold Silver Price Down: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરાયા બાદ વૈશ્વિક સ્તરે મંદી તેમજ ચાંદીની ઔદ્યોગિક માગ નબળી પડવાની ભીતિ વચ્ચે આજે ચાંદીનો ભાવ કડડભૂસ થયો હતો. વૈશ્વિક ચાંદીના સથવારે એમસીએક્સ ચાંદી વાયદો આજે 5000 રૂપિયા પ્રતિ કિગ્રા સુધી તૂટ્યો હતો. વૈશ્વિક સ્તરે સોનું 78.70 ડૉલરતૂટી 3087.50 ડૉલરપ્રતિ ઔંશ, જ્યારે ચાંદી 2.56 ડૉલરતૂટી 32.09 ડૉલરપ્રતિ ઔંશ પર ટ્રેડ થઈ રહી હતી.
અમદાવાદમાં ચાંદીનો ભાવ રૂ. 3500 ગગડ્યો
અમદાવાદમાં આજે ચાંદીનો ભાવ રૂ. 3500 તૂટી રૂ. 96000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થયો હતો. જ્યારે સોનાનો ભાવ રૂ. 400 તૂટી રૂ. 93400 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો. સોનાની કિંમત રૂ. 94000ની ઓલટાઇમ સપાટીએથી છેલ્લા ત્રણ-ચાર દિવસમાં રૂ. 600 ઘટ્યું છે.
MCX સોના-ચાંદીમાં ગાબડું
એમસીએક્સ ખાતે સાંજના સેશનમાં ચાંદી 5 મે વાયદો રૂ. 5337 તૂટી રૂ. 94416 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ રહ્યો હતો. એમસીએક્સ સોનું પણ 1598 રૂપિયા ગગડી રૂ. 89130 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં મોર્નિંગ સેશનમાં રૂ. 29837.13 કરોડના કામકાજ થયા હતા. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.91230ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.91423ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શી, નીચામાં રૂ.90 હજારના સ્તરની નીચે રૂ.89565 બોલાઈ, રૂ. 90728ના આગલા બંધ સામે રૂ.1163ના કડાકા સાથે રૂ.89565ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 814 ગબડી રૂ. 72130ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 103 ઘટી રૂ. 9059ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ. 1161 ઘટી રૂ. 89203ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 90800ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 91143 અને નીચામાં રૂ. 89600ના સ્તરને સ્પર્શી, રૂ. 90732ના આગલા બંધ સામે રૂ. 1131ના ભાવ ઘટાડા સાથે રૂ. 89601ના ભાવે બોલાયો હતો.
સવારે ચાંદીમાં રૂ. 4103નો કડાકો
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ. 99658ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 99658 અને નીચામાં રૂ. 95597ના સ્તરને સ્પર્શી, રૂ. 99753ના આગલા બંધ સામે રૂ. 4103ના કડાકા સાથે રૂ. 95650 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ. 3964 ઘટી રૂ. 95751 થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ. 3971 ઘટી રૂ. 95740ના સ્તરે પહોંચ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વૉરના કારણે વૈશ્વિક સ્તરે નાણાકીય બજાર અને કિંમતી ધાતુમાં અનિશ્ચિતતાઓ વધી છે. સ્ટોક માર્કેટમાં પણ આજે મોટા કડાકા નોંધાયા છે. વૈશ્વિક સ્તરે મંદીના અહેવાલોના કારણે ચાંદીની માગ ઘટવાની ભીતિ વ્યક્ત થઈ છે. વધુમાં અમેરિકામાં ફુગાવો વધવાની શક્યતા સાથે ડૉલર ઇન્ડેક્સ ફરી પાછો તેજીમાં આવશે તેવા સંકેત સાથે કિંમતી ધાતુમાં રોકાણકારો પ્રોફિટ બુક કરતાં જોવા મળ્યા છે.