Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી છેલ્લા દોઢ મહિનાથી ચાલુ કરી દેવામાં આવી છે. જેમાં હાલમાં વિશ્વામિત્રી નદીના પૂર્વ કાંઠા પર એટલે કે જમણી બાજુ ખોદકામ ચાલી રહ્યું છે. આ કામગીરી 20 દિવસમાં પૂરી થયા પછી નદીના ડાબા કાંઠા ઉપર ખોદકામ ચાલુ કરવામાં આવશે. જૂનના પહેલા અઠવાડિયા સુધીમાં આ કામગીરી પૂર્ણ થઈ જશે.
આજવા અને પ્રતાપપુરામાંથી પાણી જ્યારે છોડવામાં આવે છે, ત્યારે આ પાણી હોલ્ડ થઈને વડોદરામાં આવે તે માટે દેણા પાસે પોન્ડ બનાવવાની કામગીરી 60% પૂર્ણ થઈ ચૂકી છે. 15 મેં સુધીમાં આ કામ પણ પૂર્ણ થઈ જાય તેવી ધારણા છે. આ પોન્ડ બનતા બે લાખ ઘન મીટર પાણી સમાવી શકાશે. હાલમાં ત્યાં ખોદકામ ચાલુ છે. 1 લાખ ઘન મીટર માટી ખોદકામ થઈ ચૂક્યું છે. હવે તળાવનો શેપ પણ મળવા લાગ્યો છે. આ સ્થળે ટૂંક સમયમાં ચેકડેમની કામગીરી ચાલુ થશે. પોન્ડ બનવાથી પાણીના તળ ઊંચા આવશે પૂર્વ વિસ્તાર માટે પાણીનો એક વૈકલ્પિક સોર્સ ઉભો થશે. આ તળાવની કામગીરી ડબલ હેતુથી બનાવવામાં આવી રહી છે. આજવા સરોવર ખાતે 1.70 લાખ ઘન મીટર માટીની ખોદકામ થયું છે, અને અત્યારની સ્થિતિએ 1.6 લાખ ઘન મીટર પાણી વધુ સંગ્રહ થઈ શકે તેમ છે. પ્રતાપપુરા સરોવરમાં પણ 3.50 લાખ ઘન મીટર માટેનું ખોદકામ થઈ ચૂક્યું છે.