ગુજરાતમાં પ્રધાનમંત્રી વનબંધુ કલ્યાણ યોજના હેઠળ પ્રી-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ મેળવતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2022-23 થી 2024-25 દરમિયાન પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ મેળવનારાઓની સરખામણીમાં પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ લાભાર્થીઓમાં 48 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
આદિજાતિ બાબતોના મંત્રાલયના તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં 6.35 લાખ આદિવાસી વિદ્યાર્થીઓને પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ મળી હતી, જ્યારે તે જ સમયગાળા દરમિયાન ફક્ત 3.28 લાખ વિદ્યાર્થીઓએ પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ મેળવ્યો હતો.
આ તફાવત અમદાવાદ જીલ્લામાં પણ જોવા મળે છે, જ્યાં 42,845 ST વિદ્યાર્થીઓને પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ મળી હતી, પરંતુ સમાન સમયગાળા દરમિયાન માત્ર 2,727 વિદ્યાર્થીઓને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. આ જ રીતે બનાસકાંઠામાં 51,701 વિદ્યાર્થીઓએ પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ લીધો હતો, જે પોસ્ટ-મેટ્રિકમાં ઘટીને 10,675 થઈ ગયો.
દાહોદ જિલ્લામાં પ્રી-મેટ્રિક વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ 75,917 હતી, પરંતુ પોસ્ટ-મેટ્રિક માટે સંખ્યા ઘટીને 57,624 થઈ ગઈ. વલસાડમાં 62,666 વિદ્યાર્થીઓને પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ મળી, જ્યારે ફક્ત 36,228 વિદ્યાર્થીઓને પોસ્ટ-મેટ્રિક સ્કોલરશીપ સહાય મળી. સુરતમાં પણ આવી જ સ્થિતિ છે, જ્યાં પ્રી-મેટ્રિક સ્કોલરશીપ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 58,787 હતી, જ્યારે પોસ્ટ મેટ્રિક વિદ્યાર્થીઓની સંખ્યા 26,986 હતી.
શિષ્યવૃત્તિની વિગતો
પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા ST વિદ્યાર્થીઓને સહાય પેટે આપવામાં આવે છે. આ સહાય મેળવવા માટે વિધાર્થીના માતાપિતાની આવક મર્યાદા વાર્ષિક રૂ.2.5 લાખથી વધુ ન હોવી જોઈએ. પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે છે, ફરજિયાત ફી (રાજ્ય મર્યાદાને આધીન) ભરપાઈ કરવામાં આવે છે અને અભ્યાસક્રમના આધારે માસિક રૂ.230 થી રૂ.1,200 સહાય પેટે ચૂકવવામાં આવે છે.
પ્રી- મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ ઉપરાંત, પ્રધાનમંત્રી વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિવાસી જૂથોનો વિકાસ, પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના અને આદિવાસી સમુદાયના ઉત્થાન માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ એકમો માટે સહાય જેવી કલ્યાણકારી પહેલ સામેલ છે.