રાજકોટમાં ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કરતા વેપારી સાથે છળ : આરોપીએ ખાંડ મોકલી નહીં, ચેક આપ્યો તે પણ રિટર્ન થતાં વેપારીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી
રાજકોટ, : કાલાવડ રોડ પરની ન્યૂ કોલેજવાડી-3માં રહેતા અને પત્ની સાથે મળી કૃતિ ઓનેલા બિલ્ડિંગમાં ઓફિસ રાખી ઇમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ કરતાં તુષારભાઇ ઇલાણી (ઉ.વ.૪૬) સાથે ચેન્નાઇમાં રહેતા તમીલરસી પેરૂમલે ખાંડ આપવાના બહાને રૂા. ૪૪.૯૧ લાખની છેતરપિંડી કર્યાની રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદમાં તુષારભાઈએ જણાવ્યું છે કે 2021માં તે ખાંડનો ધંધો કરતા હતા તેને કારણે ખાંડ વેચતા વેપારીઓનો સંપર્ક શરૂ કર્યો હતો, જેમાં ચેન્નાઇમાં એલીપ્સ યુનિવર્સલ ટ્રેડીંગ ઇન્ડિયા પ્રા.લી. નામની પેઢી ધરાવતા આરોપી સાથે સંપર્ક થયો હતો. આ દરમિયાન તેને દુબઇથી ૧૦૦૦ ટન ખાંડનો ઓર્ડર મળ્યો હતો, જેથી તેણે આ વાત આરોપીને કરતાં તેણે 1 કિલો ખાંડનાં રૂા. 36 જણાવ્યા હતા.
પરિણામે તેણે 540 ટન ખાંડનો ઓર્ડર લખાવ્યો હતો. શરૂઆતમાં તેણે ૧૩૫ ટન ખાંડ મગાવી હતી. જેનું પેમેન્ટ આરોપીને કરી દીધું હતું. બદલામાં આરોપીએ ટેક્સ ઇનવોઇસ મોકલી કહ્યું કે ચાર ટ્રકમાં 100 ટન ખાંડ મોકલી છે. પરંતુ ખાંડ આવી ન હતી. જેથી ચેન્નાઇ જઇ આરોપીની ઓફિસે તપાસ કરતાં કહ્યું કે કન્ટેનર કેન્સલ થતાં ખાંડ મોકલી નથી. જેને કારણે તેણે પેનલ્ટીના રૂા. 9.91 લાખ ભરવા પડયા હતાં. આરોપીએ તેને રૂા. 20 લાખનો ચેક આપી થોડા દિવસોમાં ખાંડ મોકલી દેવાની વાત કરી હતી. પરંતુ ખાંડ નહીં મોકલતા આરોપીનો ચેક બેન્કમાં નાખતા રિટર્ન થયો હતો. આ પછી આરોપી જુદા-જુદા બહાના બતાવી ખાંડ મોકલતો ન હોવાથી આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.