જો કોઇ જગ્યાએ સગાઇ કરીશ તો તને જાનથી મારી નાખીશ : રાજકોટમાં ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતી યુવતીએ ધોરાજીના યુવાન સામે ફરિયાદ નોંધાવી
રાજકોટ, : શહેરમાં રહેતી યુવતીની તેના ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે સગાઇ તોડાવી નાખી, હેરાન-પરેશાન કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે હાલ એક ફાયનાન્સ કંપનીમાં નોકરી કરે છે. સાતેક મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ મારફત ધોરાજીના ગૌરવ રાજેશ રીજવાણીના સંપર્કમાં આવતાં બંને વચ્ચે મિત્રતા થઇ હતી. બંને અવારનવાર મળતા પણ હતાં. ગૌરવે લગ્ન કરવાનું કહેતા તેણે બંને પરિવારની સહમતિ હશે તો લગ્ન કરવા માટે તૈયારી બતાવી હતી. ત્યાર પછી તેને ગૌરવને ખરાબ આદતો હોવાની જાણ થતાં વાતચીત કરવાનું ઓછુ કરી નાખ્યું હતું. જેને કારણે ગૌરવ વધારે વાત કરવા માટે દબાણ કરતો હોવાથી તેનો મોબાઇલ નંબર બ્લોક કરી નાખ્યો હતો. પરિણામે ગૌરવે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફત તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં બધી જગ્યાએ તેને બ્લોક કરી નાખ્યો હતો.
આમ છતાં ગૌરવે તેના મિત્રોના મોબાઇલમાંથી તેને કોલ કરી પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું. બે મહિના પહેલા તેની સગાઇ થઇ હતી. જેની જાણ ગૌરવને થતાં અજાણ્યા નંબર પરથી કોલ કરી કહ્યું કે તે કેમ મને પૂછ્યા વગર સગાઇ કરી લીધી, હું તારી સગાઇ ક્યાંય થવા નહીં દઉં. તેના થોડા દિવસો બાદ ગૌરવે તેના મંગેતરને બંનેના ફોટા મોકલી કહ્યું કે તે તેની સાથે સંબંધ ધરાવે છે અને બંને લગ્ન કરવાના છે. આ વાતની તેના મંગેતરે તેને જાણ કરી હતી. જેથી તેણે ગૌરવને કોલ કરી કેમ હેરાન કરશ તેમ પૂછતા કહ્યું કે તારી સગાઇ ક્યાંય થવા નહીં દઉં, જો કોઇ જગ્યાએ સગાઇ કરી છે તો હું તને જાનથી મારી નાખીશ. આખરે તેની સગાઇ તૂટી ગઇ હતી. પ્ર.નગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.