વડોદરા : ગત વર્ષે નવરાત્રીના તહેવારમાં બીજા નોરતે ભાયલી વિસ્તારમાં
સુમસાન જગ્યા પર મિત્ર સાથે બેઠેલી સગીર કિશોરી સાથે ગેંગ રેપની ઘટના બની હતી જેણે
સમગ્ર શહેરને હચમચાવી નાંખ્યું હતું. પોલીસે બનાવમાં સંડોવાયેલા પાંચ આરોપીને ૪૮
કલાકમાં ઝડપી પાડયા હતા અને તેમની સામે ૧૭ દિવસમાં ચાર્જશીટ રજૂ કરતા હાલ આ કેસની
ટ્રાયલ પોક્સોની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી રહી છે. કેસમાં અત્યાર સુધીમાં ૨૨
સાક્ષીઓને તપાસવામાં આવ્યાં છે અને એક પણ સાક્ષી હોસ્ટાઇલ જાહેર નથી થયો. ગેંગ રેપ
કેસનો ચૂકાદો આગામી ત્રણ થી ચાર મહિનામાં આવી જશે તેમ હાલ મનાઇ રહ્યું છે.
ગત વર્ષે નવરાત્રીના તહેવારમાં તા.૪ ઓક્ટોબર ૨૦૨૪ની રાત્રે સગીર
કિશોરી તેના બાળપણના મિત્ર સાથે ભાયલી વિસ્તારમાં ે સુમસાન જગ્યા પર બેઠી હતી
ત્યારે બે બાઇક પર આવેલા પાચ શખ્સોએ કિશોરી સાથે સામૂહિક દષ્કર્મ આચર્યું હતું. બે
શખ્સે સગીર કિશોરીના મિત્રને પકડી રાખ્યો હતો અને ગેંગ રેપ આચર્યા બાદ આરોપીઓએ આ
વાત કોઇને કહેશો તો જાનથી મારી નાંખીશુ તેમ જણાવી તમામ શખ્સ ફરાર થઇ ગયા હતા.
આ બનાવ બનતા તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી હતી.આરોપીઓને
ઝડપી પાડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સામેલ થઇ હતી. બનાવના ૪૮ કલાકમાં
પોલીસે મૂળ ઉત્તરપ્રદેશના અને વડોદરામાં મજુરી કામ કરતા પાંચ આરોપીને ઝડપી લીધા
હતા અને હાલ આ કેસની ટ્રાયલ કોર્ટમાં અઠવાડિયામાં બે દિવસ ચાલી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ૧૨૩ પૈકી ૨૨ સાક્ષીઓ તપાસવામાં
આવ્યા છે તેમાં ભોગ બનનારી કિશોરી, તેનો મિત્ર, કિશોરીની માતા, પાંચ ડોક્ટર, ઓળખ પરેડ કરનારા
મેજિસ્ટ્રેટ તેમજ સીસીટીવી ફુટેજ આપનારા લોકોનો સમાવેશ થાય છે. હવે આ કેસમાં
સાયન્ટિફિક ઓફિસરોની જુબાની થશે. બનાવમાં સંડોવાયેલા પાંચ આરોપીઓ હાલ જેલમાં જ છે.
ધરપકડ કરાયેલા પાંચ આરોપીના નામ
મુન્ના અબ્બાસ બંજારા
મુમુતાઝ ઉર્ફે આફતાબ બંજારા
શાહરુખ કિસ્મતઅલી બંજારા
સૈફઅલી મહેંદીહસન બંજારા
અજમલ સત્તાર બંજારા
૬૦૦૦ પેજનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાયું હતું
ભાયલી ગેંગ રેપ કેસના આરોપીઓને પોલીસે ૪૮ કલાકમાં ઝડપી પાડયા
બાદ પીડીતાને ઝડપથી ન્યાય મળે તે માટે પોલીસે બનાવના ૧૭ દિવસમાં કોર્ટમાં ૬૦૦૦
પેજનું ચાર્જશીટ રજૂ કર્યું હતું. ચાર્જશીટમાં આરોપીઓ રાત્રે ગેંગ રેપ કરવાના
ઇરાદે જ નિકળ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.પોલીસે આરોપીઓની ઓળખ તેમજ
તેને ઝડપી પાડવા માટે ૧૧૦૦થી વધુ સીસીટીવી ફુટેજનું વિશ્લેષણ કર્યું હતું તેમજ
તપાસમાં ૨૦૦થી વધુ પોલીસને સામેલ કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીની શોધખોળ માટે
૧૦૦૦થી વધુ ઘરમાં સર્ચ કર્યું હતું.
આ વર્ષે સૂમસામ જગ્યા પર
પોલીસનું સૌથી વધુ પેટ્રોલિંગ
ગત વર્ષે નવરાત્રીના તહેવારમાં ભાયલી ગેંગ રેપની ઘટના બનતા આ
વર્ષે પોલીસે આ પ્રકારની કોઇ ઘટના ન બને તે માટે શહેર આસપાસની તમામ સૂમસામ જગ્યાઓ
પર ઘનિષ્ઠ પેંટ્રોલિંગ શરુ કર્યું છે. ખાસ કરીને કેનાલ રોડ, હાઇવે
પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ગરબાના આયોજકોને પણ
ગ્રાઉન્ડ આસપાસનો તમામ વિસ્તારમાં પુરતી લાઇટીંગ તેમજ સિક્યુરીટી રાખવા માટેની પણ
સુચના આપી છે.