Bollywood Song in Navratri: નવરાત્રિના પાવન પર્વમાં ગરબાના આયોજનોમાં પરંપરાગત ગીતોને બદલે બોલિવૂડ અને અંગ્રેજી ગીતો વગાડવાનો મામલો સામે આવ્યો છે. રાજકોટની નીલ સિટી ક્લબમાં બોલિવૂડ ગીતો પર ગરબા રમાડવામાં આવતા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના પર વિશ્વ હિન્દુ પરિષદે ગંભીર વાંધો ઉઠાવ્યો છે.
વિશ્વ હિન્દુ પરિષદના નેતાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, “ગઈકાલે અમારા ધ્યાને એક વિડીયો આવ્યો છે, જેમાં નીલ સિટી ક્લબમાં બોલિવૂડના ગીતો વગાડવામાં આવી રહ્યા છે. આવા કૃત્યો નીલ સિટી ક્લબ દ્વારા કરવા જોઈએ નહીં. અમે આ મામલે પોલીસને પણ રજૂઆત કરીશું અને આવા ગરબા આયોજકોની પરમિશન રદ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.’
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ‘ગયા વર્ષે પણ નીલ સિટી ક્લબમાં શકીરાના ગીતો વગાડવામાં આવ્યા હતા. અમે આયોજકોને સ્પષ્ટપણે કહીએ છીએ કે જો તમે ગરબાની મંજૂરી લીધી હોય તો ફક્ત ગરબા જ રમાડો, બોલિવૂડ સોંગ ન વગાડવા જોઈએ. ભારતીય યુવાઓને આવા કૃત્યો દ્વારા અવળા માર્ગે દોરવવાનું બંધ કરવું જોઈએ.”
આ મામલે વિશ્વ હિન્દુ પરિષદે પોલીસ કમિશનરને પત્ર લખીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટનાને પગલે અન્ય ગરબા આયોજકો પણ હવે સાવચેત બન્યા છે. પરંપરાગત ગરબાના આયોજનને જાળવી રાખવા માટે સામાજિક અને ધાર્મિક સંગઠનો દ્વારા આ પ્રકારની પહેલ કરવામાં આવી રહી છે.