Bengaluru Outer Ring Road Traffic : બેંગલુરુની આઉટર રિંગ રોડ (ORR) પર વધી રહેલા ટ્રાફિકને ઓછો કરવા માટે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આઈટી કંપની વિપ્રોને અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજીને પત્ર લખીને કંપનીના સરજાપુર કેમ્પસમાંથી લોકોને અમુક સમય માટે પસાર થવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી. મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે, જો વિપ્રો તેના કેમ્પસનો એક ભાગ ખોલે તો ઓફિસના કલાકો દરમિયાન ટ્રાફિકમાં 30 ટકા જેટલો ઘટાડો થઈ શકે છે.
અઝીમ પ્રેમજીએ CMનો પ્રસ્તાવ ફગાવ્યો
અઝીમ પ્રેમજીએ મુખ્યમંત્રીના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. તેમણે જવાબમાં જણાવ્યું કે, સરજાપુર કેમ્પસ કંપનીની ખાનગી સંપત્તિ છે, કંપની સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) હેઠળ આવે છે, જ્યાં વૈશ્વિક ગ્રાહોને સેવા પૂરી પડાય છે. આવી સ્થિતિમાં કરાર અને ગર્વનન્સ નિયમો હેઠળ કડક સુરક્ષા વ્યવસ્થા જરૂરી છે, તેથી જાહેર વાહનોની અવરજવર કાયદેસર રીતે શક્ય નથી.’
આ પણ વાંચો : ‘ભાજપ સત્તાના નશામાં આવી લોકોનો અવાજ દબાવી રહી છે’ લદાખ હિંસા મુદ્દે કેજરીવાલના કેન્દ્ર પર પ્રહાર
અમે અભ્યાસનો ખર્ચ ઉઠાવવા તૈયાર : અઝીમ પ્રેમજી
તેમણે એમ પણ કહ્યું કે, આ રસ્તા પરથી જાહેર વાહનોની અવરજવર કાયદાકીય રીતે શક્ય નથી અને તે લાંબા ગાળાનું સમાધાન પણ સાબિત નહીં થાય. અમારી કંપની સરકાર સાથે મળીને બેંગલુરુ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે સૂચન આપ્યું છે કે, ડેટા-આધારિત, સહયોગાત્મક અભ્યાસ હાથ ધરવામાં આવે, જેથી ટૂંકા ગાળા, મધ્યમ ગાળા અને લાંબા ગાળા માટે અસરકારક ઉકેલો શોધી શકાય.’ તેમણે ખાતરી આપી છે કે, તેઓ આ અભ્યાસનો મોટાભાગનો ખર્ચ ઉઠાવવા તૈયાર છે.
ટ્રાફિક સમસ્યાના કારણે કંપનીઓ ઓફિસ શિફ્ટ કરવાની તૈયારીમાં
બેંગલુરુની આઉટર રિંગ રોડ (ORR) શહેરમાં આઈટી હબ્સને જોડતો સૌથી વ્યસ્ત કોરિડોર છે. તાજેતરના વર્ષોમાં અહીં ટ્રાફિક જામ એટલો વધી ગયો છે કે, ઘણી કંપનીઓ ઓફિસ શિફ્ટ કરવાની વિચારણા કરી રહી છે. તાજેતરમાં જ લોજિસ્ટિક્સ ટેક કંપની બ્લેકબકએ ખરાબ રસ્તાઓ અને ટ્રાફિક જામને કારણે પોતાની ઓફિસ શિફ્ટ કરવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : લદાખમાં હિંસા માટે સરકાર જ જવાબદાર, મને જેલમાં નાંખ્યો તો ભારે પડશે: સોનમ વાંગચુકની કેન્દ્રને ચેતવણી