છેલ્લા ઘણા દિવસથી સ્વચ્છ પાણી ના આવતું હોવાથી સ્થાનિકોને રોગચાળાનો ભય
ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર ૨ અને ૧૩માં છેલ્લા ઘણા દિવસોથી પીવાના
પાણીમાં ડહોળું અને દુર્ગંધયુક્ત પાણી આવવાની સમસ્યાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ
જોવા મળી રહ્યો છે. આ વિસ્તારોમાં નળ ખોલતાની સાથે જ ગંદુ અને પીવાલાયક ન હોય
તેવું પાણી આવે છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પરિસ્થિતિને કારણે પાણીજન્ય રોગચાળો ફેલાવાનો ભય
સ્થાનિકોને સતાવી રહ્યો છે અને તંત્ર આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવે તેવી
માંગ પ્રબળ બની છે.છેલ્લા કેટલાક દિવસથી આ સમસ્યા જોવા મળી રહી છે. શરૃઆતમાં થોડા
સમય માટે ડહોળું પાણી આવતું હતું હવે તે નિયમિત બની ગયું છે. સવારના સમયે જ્યારે
પાણીનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે. ત્યારે જ આ પ્રકારનું ગંદુ પાણી આવે છે. આ પાણી
પીવામાં ન લઈ શકાય પરંતુ તેનો ઉપયોગ ઘરકામ માટે પણ કરવો મુશ્કેેલ બન્યો છે. ના
છૂટકે ઘણા પરિવારોને પીવાના પાણી માટે જગ મંગાવાની ફરજ પડી છે.પાણી પીવા લાયક
આવતું નહિ હોવાના કારણે રહીશોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. આમ આ સમસ્યાનું
સત્વરે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.