મુંબઈ : તહેવારો તથા લગ્નસરાની મોસમ નજીક આવી રહી છે ત્યારે ભારત સરકારે ઘરઆંગણેના જ્વેલરી ઉત્પાદકોને રક્ષણ પૂરુ પાડવાના ભાગરૂપ શુદ્ધ ચાંદીમાંથી બનતી સરળ (રત્નજડીત વગરની) સિલ્વર જ્વેલરીની આયાતને મુકતમાંથી પ્રતિબંધિત યાદીમાં આવરી લીધી છે. સરકારનું આ નવું ધોરણ તાત્કાલિક રીતે અમલમાં આવશે અને ૨૦૨૬ના માર્ચ સુધી ચાલુ રહેશે એમ ડાયરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) દ્વારા જારી કરાયેલ એક નોટિફિકેશનમાં જણાવાયું હતું.
નવા નિયમ પ્રમાણે ચાંદીની જ્વેલરીની આયાત માટે ઈમ્પોર્ટરે ડીજીએફટી પાસેથી પરવાનગી મેળવવાની રહેશે.
છેલ્લા ત્રણ મહિનાથી થાઈલેન્ડ સહિત વિવિધ દેશો ખાતેથી રત્નજડિત ન હોય તેવી સિલ્વર જ્વેલરીની આયાતમાં જોરદાર વધારો થયાનું વાણિજ્ય મંત્રાલયના ધ્યાનમાં આવતા આયાતને પ્રતિબંધિત યાદીમાં લેવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે.
મોટાભાગની આયાતી જ્વેલરી ફિનિશ્ડ પ્રોડકટસના નામે ભારતમાં લાવવામાં આવી રહી છે, જેને કારણે ઘરઆંગણેના ઉત્પાદનોના ભાવ પર અસર પડે છે અને શ્રમલક્ષી એવા સિલ્વર જ્વેલરી ક્ષેત્રમાં રોજગાર પર અસર પડે છે.
વેપારની અયોગ્ય પદ્ધતિ પર અંકૂશ લાવી ઘરેલુ ઉદ્યોગોને રક્ષણ પૂરું પાડવાના હેતુ રહેલો છે, એમ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું. દશેરા-દિવાળાની તહેવારો ઉપરાંત લગ્નસરાની મોસમ વેળાએ પ્લેઈન સિલ્વર જ્વેલરીની માગ ઊંચી રહેતી હોય છે.
વર્તમાન વર્ષના એપ્રિલથી જૂનના ગાળામાં થાઈલેન્ડ ખાતેથી આ પ્રોડકટસની આયાત ૪ ટન પરથી દસ ગણી વધી ૪૦ ટન પહોંચી ગઈ હતી. થાઈલેન્ડ ખાતેથી આયાતનો હિસ્સો ૭૮ ટકા પરથી વધી ૯૮ ટકા પર પહોંચી ગયો છે જે ભારતના વિવિધ મુકત વેપાર કરારના દૂરુપયોગની શંકા ઉપજાવનારી બાબત છે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
ભારતના જ્વેલરી ક્ષેત્રમાં અંદાજે ૪૩ લાખ લોકો રોજગાર ધરાવે છે અને તહેવારો તથા લગ્નસરાની મોસમમાં જ્વેલરીની માગમાં જોરદાર વધારો થતો હોય છે.
ભારતની સિલ્વર જ્વેલરીની આયાત મુખ્યત્વે ચીન, થાઈલેન્ડ તથા યુએઈ ખાતેથી થાય છે. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે તાજેતરમાં ચાંદીના ભાવ વધી એક કિલોના રૂપિયા ૧.૩૫ લાખ આસપાસ પહોંચી ગયા છે. વર્તમાન વર્ષમાં ભાવમાં ૪૦ ટકા વધારો થયો છે.