અમદાવાદ,મુંબઇ : દેશભરના સોના-ચાંદી બજારો વિશ્વ બજાર પાછળ ઝડપથી તુટતા ભાવમાં મોટા કડાકા બોલી ગયા હતા. જે પૈકી અમદાવાદ સોના-ચાંદી બજારમાં કિંમત ધાતુઓમાં નોંધપાત્ર ગાબડા નોંધાયા છે. ગત તા. બે એપ્રિલે ટ્રમ્પે ટેરિફની જાહેરાત કર્યા બાદ ત્રણ દિવસમાં અમદાવાદ ચાંદીમાં રૂ. ૧૦,૫૦૦ નું મોટું ગાબડું નોંધાયું છે. જ્યારે સોનામાં રૂ. ૨૩૦૦ નો કડાકો બોલી ગયો છે. અમદાવાદ બજારમાં આજે ચાંદીમાં આજે એક જ દિવસમાં રૂ. ૪૦૦૦ નું ગાબડું નોંધાતા બજારમાં સન્નાટો છવાઈ ગયો હતો.
મુંબઈ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનીઆકરી ટેરીફ નીતિ તથા તેની સામે ચીન અને કેનેડા સહિત વિવિધ દેશોએ વળતો જવાબ આપવાનું શરૂ કરતાં વૈશ્વિક સ્તરે ટ્રેડવોર વકરતાં વૈશ્વિક સોના-ચાંદીના ભાવમાં વધુ કડાકો બોલાઈ ગયાના સમાચાર હતા. વિશ્વ બજાર તૂટતાં ઘરઆંગણે ઈંમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં દેશના ઝવેરી બજારમાં આજે કિંમતી ધાતુઓમાં નવો તીવ્ર કડાકો બોલાઈ ગયો હતો.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૭૦૦ તૂટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના આજે વધુ રૂ.૪૦૦૦ તૂટી ગયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ ત્રણ દિવસમાં રૂ.૧૦૫૦૦ તૂટી જતાં ખેલાડીઓ સ્તબ્ધ બની ગયાહતા. અમદાવાદ સોનાના ભાવ બે દિવસમાં રૂ.૧૯૦૦ ગબડયા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૦૭૩થી ૩૦૭૪ વાળા વધુ ઘટી નીચામાં ભાવ ૩૦૧૫ થઈ છેલ્લે ભાવ સપ્તાહના અંતે રૂ.૩૦૩૮થી ૩૦૩૯ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૦.૭૬થી ૩૦.૭૭ વાળા નીચામાં ૨૯.૧૯ થઈ છેલ્લે ભાવ ૨૯.૫૮થી ૨૯.૫૯ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ વદી ઉંચામાં ૧૦૩.૧૮ થઈ છેલ્લે ૧૦૨.૮૯ રહ્યાના સમાચાર હતા. ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં તેના પગલે વૈ શ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાની ચર્ચા વિશ્વ બજારમાં સંભળાઈ હતી. અમેરિકામાં જોબગ્રોથ વધી ૨ લાખ ૨૮ હજાર આવતાં તેની અસર ડોલર પર વર્તાઈ રહી હતી. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૫.૨૩ વાળા ઉછળી રૂ.૮૫.૫૩થી ૮૫.૫૪ બોલાતા થયા હતા.
મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસ ટી વગર ૯૯૫ના રૂ.૯૦૬૫૦ વાળા રૂ.૮૮૫૦૦ તથા ૯૯૯ના રૂ.૯૧૦૧૪ વાળા રૂ.૮૮૮૫૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૨૯૧૦ વાળા રૂ.૮૮૧૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ નીચામાં ૯૧૬ થઈ ૯૨૩થી ૯૨૪ ડોલર રહ્યા હતા.
પેલેડીયમના ભાવ નીચામાં ૯૧૪ થઈ છેલ્લે ૯૧૮થી ૯૧૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ વધુ ૮.૮૩ ટકા તૂટયા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી નીચા મથાળે અથડાતા રહ્યા હતા.
દરમિયાન, ટ્રમ્પની ટેરીફ નીતિના કારણે અમેરિકામા ફુગાવો વધવાનીશક્યતા વચ્ચે હવે ત્યાં વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા ઓછી થયાનું ફેડરલ રિઝર્વના અધ્યક્ષ પોવેલે જણાવતાં ટ્રમ્પે આ પ્રશ્ને પોવેલ સામે નારાજગી બતાવી છે. દરમિયાન, જર્મનીનું આશરે ૧૨૦૦ ટનનું સોનું અમેરિકામાં ફેડરલ રિઝર્વના વોલ્ટમાં પડયું છે તે સોનું પાછું જર્મનીમાં લઈ આવવા જર્મનીની સરકાર વિચારી રહ્યાના વાવડ મળ્યા હતા. વૈશ્વિક શેરબજારો ગબડતાં તેની નુકશાની સરભર કરવા ઘણા ખેલાડીઓ વિશ્વ બજારમાં સોનું વેંચવા નિકળ્યાના પણ સમાચાર હતા.