મોડી સાંજે મનપાની ટીમ ત્રાટકતા ફફડાટ
મનપાની જગ્યામાં ખાનગી વ્યક્તિઓ વાહન પાર્કિંગના તોતિંગ નાણાં વસૂલતા હતા ઃ લારીઓ પણ જપ્ત કરાઈ
નડિયાદ: નડિયાદ મહાનગરપાલિકા દ્વારા આખરે ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. બપોરે મહાનગરપાલિકાના કમિશનર સમક્ષ ટાઉન પોલીસ મથકની બરાબર સામે ચાલતા ગેરકાયદે પાકગ સ્ટેન્ડનો મુદ્દો ઉઠતા, કમિશ્નરે તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો અને મોડી સાંજે આ ગેરકાયદે પાકગ પર સપાટો બોલાવી દેવાયો હતો.
નડિયાદમાં ખાનગી વ્યક્તિઓ દ્વારા મહાનગરપાલિકાની કિંમતી જગ્યાનો ઉપયોગ કરીને ગેરકાયદે રીતે સાયકલ અને ટુ-વ્હીલર વાહનો પાર્ક કરાવવામાં આવી રહ્યા છે અને તેની સામે તોતિંગ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. ફરિયાદને ગંભીરતાથી લેતા કમિશનરે દબાણ વિભાગને સૂચના આપી હતી. આદેશ બાદ, દબાણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોડી સાંજે ૬ વાગ્યાના અરસામાં ટાઉન પોલીસ મથકની સામે, બસ સ્ટેન્ડની બાજુમાં આવેલા મનપાના પ્લોટ પરથી તમામ લારીઓ દૂર કરાવીને કેટલીક લારીઓ ભરી લેવામાં આવી હતી. ઉપરાંત, ગેરકાયદે રીતે ચાલતા સાયકલ અને ટુ-વ્હીલર પાકગને સંપૂર્ણપણે બંધ કરાવી દેવામાં આવ્યું છે અને હવે પછી અત્રે કોઈ પણ પ્રકારનું પાકગ ના કરાવવા માટે સખત સૂચના આપવામાં આવી છે.
જ્યારે નડિયાદ નગરપાલિકા હતી ત્યારે અહીં પે એન્ડ પાકગ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ તે કોન્ટ્રાક્ટ વર્ષો પહેલા પૂર્ણ થઈ ગયો હોવા છતાં, રાજકીય ઈશારે ખાનગી વ્યક્તિઓ દ્વારા ગેરકાયદે રીતે આ પાકગ ચાલુ રખાતું હતું અને ખાનગી પાવતીઓ આપીને પૈસા ઉઘરાવવામાં આવતા હતા. કેટલાક રાજકીય લોકોએ ગેરકાયદેસર રીતે ખાણી-પીણીની લારીઓ પણ અહીં ઉભી રખાવી હતી અને તેમની પાસેથી પણ ભાડું વસૂલવાનું શરૂ કર્યું હતું, મનપા તંત્રએ ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સખ્તી બતાવતા આવા ઈસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે.