Vadodara : લહેરીપુરા મંગળબજાર ખાતે આવેલ 100 વર્ષ જૂના શ્રી રામ ભગવાનના મંદિર સહની રામગલોલા વાળી મિલકત વિવાદ અંગે કોર્ટમાં ચાલી રહેલ કાનૂની લડાઈનો 32 વર્ષે ચુકાદો આવ્યો હતો.
આ મંદિર સેવા પુંજા–હરીહર પ્રધ્યુમન મહંતનાઓનું પરીવાર વર્ષોથી કરતું આવેલ છે તથા આ મંદિરની આસપાસ પણ રામ ગલોલા ચેમ્બર તરીકે ઓળખાતી મિલ્કત આવેલ છે અને તેમાં આશરે 88 જેટલી દુકાનો આવેલ છે. આ મિલ્કત અંગે 32 વર્ષ અગાઉ ધર્મિષ્ઠાબેન પ્રધ્યુમન મહંત તથા તેઓના સંતાનો દ્વારા કોર્ટમાં દાવો દાખલ કરી મિલકત વડીલોપાર્જીત અને હિન્દુ અવિભકત કુટુંબની હોવાનું જાહેર કરવા અને વહેંચણ અંગે દાવો દાખલ કર્યો હતો. જેથી કોર્ટ દ્વારા મિલ્કતની યથાવથ સ્થિતી જાળવી રાખવા વર્ષ 1998માં હુકમ કર્યો હતો. તેમ છતાં આ મિલ્કતો અંગે જુદા જુદા તબદીલીના લખાણો સુનીલ જમનાદાસ બજાજ તથા મીના સુનીલ બજાજ નાઓ ધ્વારા કરી લેવામાં આવતાં તેઓને પણ ઉપરોકત દાવાના કામે સામેલ કરી તેઓ વિરૂધ્ધમાં કોર્ટમાં કન્ટેમ્પ અરજ દાખલ કરવામાં આવી હતી. 17માં એડિ.સિ.સિવિલ જજ ઇફ્તેખારહુસેન સિદ્દીક હુસેન સૈયદની કોર્ટમાં આ દાવો ચાલી જતા કોર્ટે વાદીનો દાવો મંજૂર કરી આદેશ કર્યો હતો કે, મિલકતમાંથી વાદીને તેમનો હિસ્સો છૂટા પાડીને કબજો સોંપવામાં આવે તેમજ પ્રતિવાદી દ્વારા સુનિલ જમનાદાસ બજાજ અને મીના સુનિલ બજાજ સાથે કરવામાં આવેલ મિલકત કરાર રદબાતલ અને વાદીઓના હક્ક વિરુદ્ધ નિષ્ક્રિય જાહેર કરવામાં આવ્યો હતો.
તેમજ પ્રતિવાદી પુષ્પાબેન યોગેન્દ્રભાઈ મહંત, વિમલ યોગેન્દ્રભાઈ મહંત અને રાઘવેન્દ્ર યોગેન્દ્રભાઈ મહંતને મનાઈ હુકમનો અનાદર કરવા બદલ દોષિત ઠેરવી મિલકતને તેની મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરી ભંગ દૂર કરવા આદેશ કર્યો હતો. જો તેમ કરવામાં નિષ્ફળ જાય તો અટકાયત સાથે મિલકત જપ્તીનો આદેશ આપ્યો હતો.
મહંત નારાયણ દાસનું વિલ કર્યા વિના નિધન થતા મિલ્કત વિવાદ સર્જાયો હતો
વાદી તથા પ્રતિવાદીઓ એક જ કુટુંબના સભ્ય છે. વર્ષ 1970માં નારણદાસ રામદાસ મહંત વિલ કર્યા વગર નિધન થયું હતું. લહેરીપુરા રામગલો મંદિર ટીકા નં.5/1 તથા સ.ન.241 વાડી મિલકત નારણદાસને તેમના પિતા ગુરુ રામદાસથી વારસાઈમાં મળી હતી. તેમજ પ્રદ્યુમન નારણદાસ મહંતએ પત્ની ધર્મિષ્ઠાબેનને છૂટાછેડા આપ્યા ન હોવા છતાં સંધ્યાબેન સાથે લગ્ન કર્યું હતું. જેથી પરિવાર વચ્ચે વડીલોપાર્જિત મિલકત અંગે કાનૂની વિવાદ સર્જાયો હતો.
પ્રતિવાદીઓની રજૂઆત હતી કે, મહંત નારણદાસને ક્યારેય મિલકત પ્રાપ્ત થઈ ન હતી
આ મિલકત ઉપર પ્રતિવાદીઓ તરફથી ડેવલપમેન્ટ કરાર કરી કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું હતું. જેથી વાદી તથા પ્રતિવાદીઓનો આ મિલકતમાં સરખા હિસ્સે ભાગ છે તેવું જ્ઞાપન પણ મેળવી લેવા તથા મિલકત વેચાણ અથવા તબદીલ ન થાય તે અંગે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જે અંગે પ્રતિવાદીની રજૂઆત હતી કે, મહંત નારણદાસને ક્યારેય મિલકત પ્રાપ્ત થઈ ન હતી. અને જેથી વાદીનો કોઈપણ જાતનો આ મિલકતમાં હક્ક હિત સંબંધ કે લાભભાગ નથી. વાદીના માંગ્યા મુજબ મનાઈ હુકમ આપવામાં આવે તો પ્રતિવાદીના કાયદેસરના હક્કોને નુકસાન પહોંચશે જેથી વાદીનો દાવો રદ કરવો જોઈએ.