– મહાપાલિકાના વિદ્યાનગર રોડ ઉપર ચેકિંગ
– રસ્તા પર રેતી, કપચી સહિતનો સામાન નડતરરૂપ જણાયો : 3 દિવસમાં દંડ નહીં ભરે તો સીલ કરાશે
આણંદ : આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલા સ્માર્ટ બજાર અને કરમસદ રોડ ઉપર મેં. પી.સી. સ્નેહલ કન્સ્ટ્રક્શન પ્રા.લિ.ની સાઈટ પર બેદરકારી જણાતા રૂા. ૫૦- ૫૦ હજારનો દંડ ફટકારાયો છે. ૩ દિવસમાં એકમો દંડ નહીં ભરે તો સીલ કરવા એસ્ટેટ વિભાગે સૂચના આપી છે.
આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની દબાણ ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરતા વિવિધ એકમો દ્વારા દબાણ બાબતે બેદરકારી રાખવામાં આવતાં આવા એકમોમાં આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ સ્માર્ટ બજાર તથા સરદાર પટેલ મેમોરિયલની સામે, કરમસદ ખાતે રોડ ઉપર મેં. પી.સી. સ્નેહલ કન્સ્ટ્રકશન પ્રાઇવેટ લિ.ની સાઇટ દ્વારા બહાર જાહેર રોડ પર નડતરરૂપ રીતે રેતી, કપચી માલ સામાન મુકેલો હોવાથી જનતાને નડતરરૂપ જણાયો હતો. જોખમકારક અને ઉપદ્રવકારણ બાબત જણાઈ આવતા ધી ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ૧૯૪૯ની જોગવાઈઓનો બંધ થતો હોવાથી રૂપિયા ૫૦ – ૫૦ હજારનો વહીવટી ચાર્જ ભરવા આણંદ મહાનગરપાલિકા ટાઉનપ્લાનિંગ- એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. જો ત્રણ દિવસમાં આ એકમો દ્વારા દંડની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો મહાનગરપાલિકા દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.