Vadodara : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા અને વારંવાર સર્જાતા ટ્રાફિક જામ અંગે આજવા રોડ સ્થિત ઈબ્રાહીમ બાવા આઈટીઆઈની 12 મીટર લાંબી તથા ટીપી 43 બાપોદની દીવાલ પર દબાણ શાખાનું બુલડોઝર ફરી વળ્યું હતું. દિવાલ જમીનદોસ્ત કરવાની કાર્યવાહી વખતે બાપોદ પોલીસ સ્ટેશનનો અને એસઆરપી જવાનોનો સહયોગ મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આજવા રોડ ટ્રાફિકથી સતત ધમધમતો રહે છે. આ ઉપરાંત પીક અવર્સમાં વારંવાર ટ્રાફિક જામ સર્જાતો હતો. જ્યારે બીજી બાજુ ટાઉન પ્લાનિંગ વિભાગની ટીપી 43 અને બાપોદ વિસ્તારમાં આવેલી ઈબ્રાહીમ બાવાની આઈટીઆઈ સંસ્થાની 12 મીટર લાંબી દિવાલ ધરાશાયી કરવાનું પાલિકા તંત્ર દ્વારા આયોજન કરાયું હતું.
જેથી બુલડોઝરો સાથે દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત અર્થે બાપોદ પોલીસ સ્ટેશનને પહોંચી હતી. જ્યાંથી બંદોબસ્ત માટે પોલીસ કાફલો દબાણ શાખાની મદદ અર્થે જોડાયો હતો. જોકે એસઆરપી પોલીસ કાફલો પણ અગાઉથી બંદોબસ્તમાં હતો.
ઘટના સ્થળે ઇબ્રાહીમ બાવાની આઈ.ટી.આઈ સંસ્થા ખાતે દબાણ શાખાના સ્ટાફ સાથે બુલડોઝરો પહોંચતા વિસ્તારમાં સ્થાનિક રહીશોના ટોળા ઉમટ્યા હતા. પરંતુ દીવાલ તોડવાની કાર્યવાહી શરૂ થાય એ અગાઉ જ પોલીસ તંત્ર અને એસઆરપી જવાનોએ ટોળાને ખદેડી દીધા હતા. પરિણામે પાલિકા દબાણ શાખાની ટીમની કાર્યવાહીથી બુલડોઝરના સહારે 12 મીટર લાંબી દિવાલ તોડીને રોડ રસ્તા ખુલ્લા કરાયા હતા.