Navratri 2025: સુરતમાં નવરાત્રિનો માહોલ જામ્યો છે અને તેમાં સાઉન્ડ સિસ્ટમ, ડીજે અને સ્પીકરની બોલબાલા જોવા મળે છે. પરંતુ શહેરના કતારગામ વિસ્તારમાં એક ગલી એવી છે, જ્યાં સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કર્યાં વગર જ નવરાત્રિનું આયોજન કરવામા આવે છે. અહીં માઈક કે સ્પીકર વગર મોઢેથી ગવાતા આ ગરબા યુવાનોથી લઈને વડીલો અને બાળકો ઝીલે છે અને માતાજીની ભક્તિભાવ સાથે ગરબે ઘૂમે છે.
વડીલો પોતાના સ્વરથી ગરબાના ગીતો ગાઈ છે
સુરતમાં ચાલી રહેલી નવરાત્રિમાં ધંધાદારી આયોજન સાથે શેરી ગરબા અને રહેણાંક સોસાયટીમાં ગરબા ચાલી રહ્યાં છે. દરેક જગ્યાએ મા અંબાની ફોટો મુકીને સ્પીકર, ડીજે અને સાઉન્ડ સિસ્ટમ પર સાથે ગરબા જોવા મળી રહ્યાં છે. તેમાં પણ ફિલ્મી ગીતો પર અવનવા સ્ટેપ્સ પર ખેલૈયાઓ ઝૂમી રહ્યાં છે. આ ખેલૈયાઓને ફિલ્મી ગીતો કે ફાસ્ટ મ્યુઝિક વિના ગરબા રમતા ફાવતું નથી. એવામાં સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા કુંજ ગલીમાં મા અંબાના મંદિર નજીક થતા ગરબાની સમગ્ર વિસ્તારમાં ચર્ચા છે. આ જગ્યાએ ગરબા તો થાય છે, પરંતુ કોઈ જાતની મ્યુઝિક સિસ્ટમ કે માઈક સ્પીકરનો ઉપયોગ કરવામા આવતો નથી. અહીંના સ્થાનિક જીગર પટેલે જણાવ્યું કે, ‘અહી વર્ષોથી ગરબાનું આયોજન થઈ રહ્યું છે અને અમે તથા નવી પેઢી પણ આ ગરબામાં ભાગ લઈ રહી છે.’
કતારગામની કુંજ ગલીમાં દર વર્ષે એક અનોખું દ્રશ્ય સર્જે છે. અહીં મહિલાઓ મીઠા સ્વરથી ગરબાના ગીતો ગાઈ છે. ડીજેના ધમાકેદાર બીટ્સથી વિપરીત અહીં માત્ર લોકોના અવાજની સાવલી ગૂંજતી હોય છે, જેને સાંભળીને સૌ ભક્તિમાં તલ્લીન થઈ ગરબે ઝુમે છે.
આ પણ વાંચો: નવરાત્રિમાં પેટ્રોલિંગ વધારવા બોપલ પોલીસની પહેલ, 15 નવી બાઇક બેડામાં સામેલ
યુવાનો અને બાળકો સહિત ત્રણ પેઢીઓ ગરબા રમે છે
આજની ફાઈવ-જી ઈન્ટરનેટ વાપરતા પેઢી પણ પોતાના બાપ-દાદાની આ વારસાગત સંસ્કૃતિને જીવંત રાખી રહી છે. વડીલો, યુવાનો અને બાળકો ત્રણેય પેઢીઓ એકસાથે ગરબા રમે છે તેવું દ્રશ્ય ભાગ્યે જ જોવા મળે છે અને અહીં ગરબે રમતા લોકોનો પહેરવેશ પણ સાદગી તથા પરંપરાગત જોવા મળે છે. અહીના ગરબા આધુનિકતા અને પરંપરા વચ્ચેનો આ સુંદર સમન્વય સુરતની સાંસ્કૃતિક ઓળખ બની રહ્યો છે.