Gandhinagar News : ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આવેલા બહિયલ ગામમાં સોશિયલ મીડિયાની પોસ્ટ મુદ્દે લઘુમતી સમાજના ટોળાએ બુધવારે રાત્રે નવરાત્રિ દરમિયાન પથ્થરમારો કરીને દુકાનોમાં તોડફોડ કરી વાહનોમાં આગ ચાંપી હતી. આ ઘટના બાદ સ્થળ ઉપર પહોંચેલી પોલીસ ઉપર પણ હુમલો કરાયો હતો અને પોલીસ વાહનો, ફાયરબ્રિગેડની ગાડીને પણ નુકસાન કરાયું હતું. જેને લઇને આજે પોલીસ દ્વારા આરોપીઓને ઘટનાસ્થળે લઇ જઇને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપી પાસેથી ઘટનાક્રમની વિગતો મેળવીને સમગ્ર દૃશ્યને ફરીથી ઊભું કર્યું હતું. આ રિકન્સ્ટ્રક્શનથી તપાસમાં નવા ખુલાસા થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનમાં પોલીસ પોતે ફરિયાદી બની છે.
સામાન્ય બાબતે મામલો બિચક્યો?
માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા બહિયલ ગામમાં ગરબાનું આયોજન કરાયું હતું. આ દરમિયાન સામાન્ય બાબતે બે જૂથ વચ્ચેની માથાકૂટ હિંસામાં પરિણામી હતી. જેના બાદ આગચંપી, તોડફોડ, પથ્થરમારા જેવી ઘટનાઓને અંજામ અપાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
ત્રીજા નોરતાએ જ બની હતી ઘટના
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામે બુધવારે ત્રીજા નોરતાએ 2 સમુદાયના લોકો સામ-સામે આવી જતાં ઘર્ષણ થયું હતું. દહેગામના બહિયલ ગામે બનેલી આ ઘટનામાં સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જ્યારે ગામમાં ગરબા ચાલતા હતા ત્યારે ગરબાની બાજુના એક વિસ્તારમાંથી ચાલુ ગરબાએ પથ્થરમારો થયો હતો અને એક ટોળું આવ્યું હતું જેણે પથ્થરમારો કર્યો હતો.
તેમના જણાવ્યા અનુસાર ગરબા સ્થળે 3 બાજુએથી પથ્થરમારો થયો હતો અને 25 જેટલી ગાડીઓના કાચ તૂટ્યા હતા. આ પથ્થરમારામાં મહિલાઓને ઇજા પહોંચી હતી. જ્યારે 15 જેટલા પોલીસ વાહનોના કાચ પણ તૂટ્યા હતા.