– ભારતે તાઈવાનને રાજકીય સ્વીકૃતિ નથી આપી, શૈક્ષણિક, વ્યાપારિક સંબંધો છે
– ‘ભારત-મંડલમ’માં તાઈવાન- એક્સપો-2025’ની મુલાકાત વેળાએ, તાઈવાનના અધિકારીએ કહ્યું : તાઈવાનની નિકાસ નીતિમાં ભારતનું કેન્દ્રવર્તી સ્થાન છે
નવી દિલ્હી : ભારત-મંડલમમાં યોજાઈ રહેલ તાઈવાન-એક્સપો ૨૦૨૫ની મુલાકાત વેળાએ તાઈવાનની ધી તાઈવાન એક્સટર્નલ ટ્રેડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (ટીએઆઈટીઆરએ) ના અધ્યક્ષ જેમ્સ ચીહ-ફેંગ હુઆંગે આશા વ્યક્ત કરી હતી કે, ભારત-તાઈવાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) થતાં ભારત અને તાઈવાન વચ્ચે વચ્ચે વ્યાપાર વધશે અને ભારત – તાઈવાન બિઝનેસ પાર્ટનરશિપ વધુ પ્રબળ બનશે. તેઓએ વધુમાં કહ્યું કે, તાઈવાનની નિકાસ નીતિમાં ભારતનું કેન્દ્રવર્તી સ્થાન છે. તાઈવાનીઝ કંપનીઓ તે કરારોને લીધે ભારતમાં વ્યાપાર- ઉદ્યોગો વિકસાવવામાં વધુ રસ લેશે, તેમજ ભારતમાં વધુ રોકાણો કરવા માટે આકર્ષાશે.
તાઈવાન- એક્સપો-૨૦૨૫ની મુલાકાત સમયે પત્રકારો સાથે કરેલી વાતચીતમાં હુયાંગે કહ્યું હતું કે, તાઈવાનની નિકાસ નીતિમાં ભારતનું સ્થાન કેન્દ્રવર્તી છે. તાઈવાનની નિકાસમાં પણ ભારત કેન્દ્રવર્તી રહ્યું છે.
તેઓએ આગળ કહ્યું કે, અમે ગમે તેમ અને ગમે ત્યાં નિકાસ કરતા નથી. નિશ્ચિત દેશોમાં જ નિકાસ કરીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, ભારતને તાઈવાન સાથે વિધિવત્ રાજદ્વારી સંબંધો નથી. પરંતુ શૈક્ષણિક અને વ્યાપારિક સંબંધો છે. ભારત બાહ્ય રીતે વન-ચાયના- પોલીસી ને અનુસરે છે. તેથી તાઈવાનમાં રાજદૂત રાખતું નથી કે, તાઈવાનના રાજદૂત ભારતમાં નથી. પરંતુ તેના શૈક્ષણિક સંબંધોને અનુસરી રાજ્ય શાસ્ત્રના પ્રોફેસર્સ અહીં આવે છે, ભારતના પ્રોફેસર્સ તાઈવાન જાય છે. આ પ્રોફેસર્સ જ રાજદૂતનું કામ કરે છે. તેવી જ રીતે પરસ્પરના અર્થશાસ્ત્રના પ્રોફેસર્સ બંને દેશોમાં ચાર્જ ફ્રી અફેર્સ જેવું કામ કરે છે. તેઓ આર્થિક સંબંધો ઉપર ધ્યાન રાખે છે.
તળભૂમિ પર રહેલું સામ્યવાદી ચીન આ બધું જાણે જ છે, પરંતુ કાગળ ઉપર તો બધું વ્યવસ્થિત છે. તેથી ધૂંધવાતું હોવા છતાં ચીન કોઇ વિરોધ કરી શકે તેમ નથી.