વડોદરાઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દિવાળી પહેલા જ દેશના ફાર્મા ઉદ્યોગો પર ૧૦૦ ટકા ટેરિફનો બોમ્બ ફોડયો છે અને તેના કારણે ફાર્મા સેકટરના ઉદ્યોગો ચિંતામાં છે.આ ટેરિફની ગુજરાત પર વ્યાપક અસર થઈ શકે છે.
અમેરિકામાં ભારતમાંથી ં અમેરિકામાં થતી દવાઓ અને બીજી ફાર્મા પ્રોડકટસની નિકાસ લગભગ ૧૨ અબજ ડોલર પર પહોંચી છે.દેશમાં ફાર્મા સેકટરના ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૩૩ ટકા છે અને અમેરિકામાં થતી નિકાસમાં રાજ્યનો ૩૦ ટકા જેટલો હિસ્સો છે.
વડોદરા ફાર્માસ્યુટિકલ મેન્યુફેકચરર એસોસિએશનના પ્રમુખ ભરત દેસાઈનું કહેવું છે કે, એક અંદાજ પ્રમાણે ગુજરાતમાંથી ચાર અબજ ડોલરની ફાર્મા પ્રોડકટસ તથા દવાઓની અમેરિકામાં નિકાસ થાય છે.ગુજરાતના ઉત્પાદનમાં વડોદરા સહિત મધ્ય ગુજરાતના દવા ઉદ્યોગોનો ફાળો લગભગ ૨૫ થી ૩૦ ટકા છે. આમ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઝિંકેલા ટેરિફના કારણે મધ્ય ગુજરાતની ૧૦૦૦૦ કરોડ રુપિયા કરતા વધારે નિકાસ પર અસર થઈ શકે છે.જોકે ટ્રમ્પે જાહેરાત કરી છે તેમાં જેનેરિક દવાઓ અંગે કેટલીક સ્પષ્ટતા નથી.આમ દવા ઉદ્યોગો આ ઓર્ડર બાદ બહાર પડનારા નોટિફિકેશનની રાહ જોઈ રહ્યા છે.જેથી ચિત્ર વધુ સ્પષ્ટ થશે.
જેનેરિક દવાઓ પર હજી ચોક્કસ સ્પષ્ટતા નથી
જાણકારોના કહેવા અનુસાર અમેરિકન પ્રમુખે જે જાહેરાત કરી છે તે પ્રમાણે બ્રાન્ડેડ પેટન્ટેડ દવાઓ પર ૧૦૦ ટકા ટેરિફ નાખવામાં આવશે.જોકે બ્રાન્ડેડ જેનેરિક દવાઓ પર તેમાં કોઈ સ્પષ્ટતા નથી.બીજી તરફ ગુજરાત સહિત ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતી ૮૦ ટકા દવાઓ જેનેરિક છે.જો જેનેરિક દવાઓ પર ૧૦૦ ટકા ટેરિફ નહીં લાગે તો દવા ઉદ્યોગોને કોઈ સમસ્યા નહીં રહે પણ બ્રાન્ડેડ જેનેરિક દવાઓ પર પણ ૧૦૦ ટકા ટેરિફ રહેશે તો તેનાથી ચોક્કસ પણ ભારતની નિકાસ પર અસર થશે.
કઈ દવાઓ અમેરિકામાં નિકાસ થાય છે
એન્ટી કેન્સર
એન્ટી ડાયાબિટિક
પેઈન કિલર
પેરાસિટામોલ
એન્ટી બાયોટિક
કાર્ડિઓવાસ્ક્યુલર ડિસિઝ
દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપના દેશોમાં પણ નિકાસ
ગુજરાતમાં બનતી દવાઓની અમેરિકા ઉપરાંત દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, સાઉથ ઈસ્ટ એશિયાના સંખ્યાબંધ દેશોમાં પણ નિકાસ થાય છે.જો અમેરિકાની નિકાસને ફટકો પડશે તો ગુજરાતના ઉદ્યોગોને પણ બીજા દેશોનું માર્કેટ શોધવું પડશે અને તેમાં સમય લાગી શકે છે.આમ દવા ઉદ્યોગો માટે આ એક બાબત મોટો પડકાર હશે.
અમેરિકાને ભારતનો વિકલ્પ ઉભો કરતા ૧૦ વર્ષ લાગશે
સૂત્રોનું કહેવું છે કે, ભારતમાંથી આયાત થતી તમામ દવાઓ પર ૧૦૦ ટકા ટેરિફ નાંખવામાં આવે તો અમેરિકાની મુશ્કેલીઓ વધશે.અત્યારે જ અમેરિકામાં વેચાતી દવાઓની કિંમત ભારત કરતા ચાર ગણી વધારે છે.ભારતનો વિકલ્પ બનવામાં અમેરિકાને ઓછામાં ઓછા ૮ થી ૧૦ વર્ષ લાગશે.ઘરઆંગણે અમેરિકા ભારત જેટલી સસ્તી દવાઓનું ઉત્પાદન કરવા માટે સક્ષમ નથી.