“યુનાઈટેડ વે’ ના ગરબામાં એનઆરઆઈ કપલનો એક વિવાદાસ્પદ વીડિયો સોશ્યિલ મીડિયામાં વાઈરલ થયો છે. ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓની હાજરીમાં જ એકબીજાને જાહેરમાં કિસ કરી અને પત્નીને ઊંચકી લઈ અશ્લીલ હરકત કરતીરિલ બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. નવરાત્રિના ગરબામાં જ અશ્લીલ હરકતનો વીડિયો સામે આવતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને વિવાદ છેડાયો છે.
આ ઘટના મુદ્દે ધર્મગુરૂઓ, હિન્દુ સંગઠનો, ખેલૈયાઓ સહિતના લોકોએ રોષ વ્યક્ત કરતા કહ્યું છે કે ‘ઘરમાંથી જ ધાર્મિક વાતાવરણ ધીમે-ધીમે વિસરાઈ રહ્યું છે. બાળકોમાં સંસ્કારના સિંચનનો અભાવ છે અને તેના જ કારણે આવા વર્તન વધતાં જાય છે.’ ગરબામાં આ રીતે રિલ બનાવી બંનેએ સોશ્યિલ મીડિયામાં ફેમસ થવા માટે મર્યાદા ઓળંગી હતી. આ ઘટનાના પગલે પોલીસે કપલને બોલાવી પૂછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે આ કપલ છેલ્લા ૧૬ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી છે અને એક અઠવાડિયા પહેલા માંજલપુરમાં રહેતા માતા-પિતાને મળવા આવ્યા હતા. કપલ પૈકી પતિ ઓસ્ટ્રેલિયામાં સ્કુલનું સંચાલન કરે છે અને તેની પત્ની શિક્ષિકા છે આ ઘટના બાદ આવતી કાલે તેઓ ઓસ્ટ્રેલિયા પરત જતા રહેવાના છે.
બંને સામે ગુનો દાખલ કરવા પોલીસ સ્ટેશને અરજી
આ મામલે વકીલ ભાવિન વ્યાસે અટલાદરા પોલીસ મથકે બંને વિરૂદ્ધ ગુનો દાખલ કરવા અરજી આપી કહ્યું હતું કે, ચાચર ચોકમાં જાહેરમાં ચુંબન કરી માતાજીનું અપમાન કર્યું છે. આ કૃત્યથી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી છે. અન્ય કોઈ આવું કૃત્ય ન કરે તે માટે દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. આ ઉપરાંત પાર્કિંગ એરિયાના સીસીટીવી તપાસવા માગ કરી છે.
ગરબા આયોજકોએ બંનેના પાસ કેન્સલ કર્યા
ગરબા માતાજીની આરાધનાનું સ્થળ છે. લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હોવાથી આવી અશ્લીલ હરકત કરનાર કપલ જવાબ આપે. બંનેના પાસ કેન્સલ કર્યા છે. મર્યાદા જાળવવી દરેક ખેલૈયાઓની નૈતિક જવાબદારી બને છે, તેમ ગરબા આયોજનનું કહેવું છે.
અગાઉ ગેટવે ઓફ ઈન્ડિયા પાસે આવો વીડિયો બનાવી પોસ્ટ કર્યો હતો
આ કપલે ગયા વર્ષે પણ મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા પાસે આવી રીતે જ કિસ કરતો વીડિયો બનાવી સોશ્યિલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો.આ વર્ષે ગરબા ગ્રાઉન્ડ પર બ્રેક દરમ્યાન કિસ કરતો વીડિયો બનાવી પોસ્ટ કર્યો હતો.