Kerala Employee Forced to Crawl Like Dog: કેરળના કોચીમાં એક પ્રાઈવેટ માર્કેટિંગ કંપનીના કર્મચારીઓ સાથે કરવામાં આવેલા અમાનવીય વર્તનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આરોપ છે કે કંપનીના કર્મચારીઓને કૂતરાની જેમ ઘૂંટણિયે પડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા અને તેમને ફ્લોર પરથી સિક્કા ચાટવા માટે કહેવામાં આવ્યું હતું.
ચાર મહિના પહેલા શૂટ કરવામાં આવ્યો હતો વીડિયો
પોલીસના જણાવ્યા અનુસાર, કંપનીના એક પૂર્વ મેનેજરને માલિક સામે વાંધો હતો અને તેણે ટ્રેનિંગ લઈ રહેલા કર્મચારીઓનો આ વીડિયો શૂટ કર્યો હતો. પોલીસે આ ક્લિપને ભ્રામક ગણાવી હતી. વાઈરલ વીડિયોને લગભગ ચાર મહિના પહેલા શૂટ કરવામાં આવ્યો હતો.
બીજા એક વીડિયોમાં કર્મચારીઓને સજા તરીકે કપડાં ઉતારવાની ફરજ પાડવામાં આવી હતી. આ મામલે રાજ્યના શ્રમ વિભાગે ઓફિસમાં અમાનવીય વર્તન બદલ તપાસનો આદેશ આપ્યો હતો. પોલીસે વાઈરલ વીડિયોમાં દેખાતા તમામ કર્મચારીઓના નિવેદનો નોંધ્યા હતા.
મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવે આવી સજા
કંપનીના કેટલાક કર્મચારીઓએ એક સ્થાનિક ટીવી ચેનલને જણાવ્યું હતું કે, ‘જે લોકો ટારગેટ હાંસલ કરવામાં નિષ્ફળ જાય છે તેમને મેનેજમેન્ટ દ્વારા આવી સજા આપવામાં આવે છે.’ પોલીસના જણાવ્યા અનુસાર, કંપની કાલૂરમાં સ્થિત છે અને આ ઘટના પેરુમ્બાવૂરમાં બની હતી. જો કે, આમાં વળાંક આવ્યો જ્યારે વીડિયોમાં કથિત રીતે હેરાન-પરેશાન થતા જોવા મળતા એક વ્યક્તિએ બાદમાં મીડિયાને કહ્યું કે કંપનીમાં કોઈ કર્મચારીને હેરાન કરવામાં આવ્યો નથી, જોકે તે વીડિયોમાં દેખાઈ રહ્યો છે.’
કંપનીમાં મેનેજર દ્વારા બળજબરીથી બનાવવામાં આવ્યો હતો વીડિયો
વ્યક્તિએ દાવો કર્યો, ‘હું હજુ પણ કંપનીમાં કામ કરું છું. આ વીડિયો થોડા મહિના પહેલાનો છે અને તે સમયે કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા એક વ્યક્તિ દ્વારા બળજબરીથી બનાવવામાં આવ્યો હતો. બાદમાં મેનેજમેન્ટે તેને નોકરી છોડવા કહ્યું અને તે હવે આ વીડિયોનો ઉપયોગ પેઢીના માલિકને બદનામ કરવા માટે કરી રહ્યો છે.’
રાજ્યના શ્રમ વિભાગનો તપાસનો આદેશ
તેણે પોલીસ અને શ્રમ વિભાગના અધિકારીઓને આ જ નિવેદન આપ્યું હોવાનું કહેવાય છે. રાજ્યના શ્રમ મંત્રી વી શિવંકુટ્ટીએ આ વીડિયોને આઘાતજનક અને પરેશાન કરનારો ગણાવ્યો અને કહ્યું કે કેરળમાં તેને કોઈપણ કિંમતે સ્વીકારી શકાય નહીં. તેણે મીડિયાને કહ્યું, ‘મેં આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે અને જિલ્લા શ્રમ અધિકારીને રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો છે.’ હાઈકોર્ટના વકીલ કુલથુર જયસિંહની ફરિયાદના આધારે રાજ્ય માનવ અધિકાર પંચે આ મામલે કેસ નોંધ્યો છે.