વડોદરાથી પસાર થતી વડોદરા–અમદાવાદ ઇન્ટરસિટી તથા મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદને સુવિધા અને સુરક્ષાના કારણોસર વટવા રેલ્વે સ્ટેશનના સ્થાને મણીનગર રેલ્વે સ્ટેશન ખાતે શોર્ટ ટર્મિનેટ કરવાની માંગ ઉઠી છે.
અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલી ડેવલોપમેન્ટની કામગીરીને કારણે વડોદરા–અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ અને મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ કર્ણાવતી સુપરફાસ્ટ એક્સપ્રેસને હાલ વટવા રેલવે સ્ટેશન ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી રહી છે. પરંતુ વટવા સ્ટેશન પર પ્રાથમિક સુવિધાઓનો અભાવ, ટ્રાન્સપોર્ટેશનની અછત તથા અસામાજિક તત્વોના ત્રાસને કારણે મુસાફરો ભારે હાલાકી અનુભવી રહ્યા છે. ખાસ કરીને સિનિયર સિટીઝન અને મહિલાઓ માટે સલામતીનો પ્રશ્ન ઊભો થયો છે. જાગૃત નાગરિકે અસંખ્ય મુસાફરો અને પાસ હોલ્ડરો વતી વડોદરા ડીઆરએમને રજૂઆત કરી છે કે, વટવા સ્ટેશન ઔદ્યોગિક વિસ્તારમાં હોવાને કારણે અહીં બસ, રિક્ષા જેવી ટ્રાન્સપોર્ટ સુવિધાઓ ઓછી છે અને લિફ્ટ, એસ્કેલેટર, વેઇટિંગ રૂમ, શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ છે. તેથી આ બંને ટ્રેનોને વટવાના સ્થાને મણિનગર રેલવે સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. મણિનગર શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ હોવાથી અહીંથી મુસાફરોને સરળતાથી ટ્રાન્સપોર્ટ સુવિધા મળે છે તેમજ સલામતીની દ્રષ્ટિએ પણ મણિનગર વધુ અનુકૂળ છે.