જુલાઈ, ૨૦૨૪માં એસઓજીની ટીમે મચ્છીપીઠ નવાબવાડા વિસ્તારમાંથી રેહાન પઠાણ, મોહમ્મદકામિલ શેખ અને નિગત શેખ નામના ત્રણ આરોપીઓને અંદાજે રૂ.૧૧.૦૯ લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કર્યા હતા. આ ગુનો કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ધરપકડ થયેલા આરોપીઓને ડ્રગ્સની સપ્લાય મુંબઈના ફઝલ જાફરખાન અને સલાઉદ્દીન શેખ દ્વારા કરવામાં આવતી હતી. મુંબઈ પોલીસ દ્વારા આ બંનેને ધરપકડ કરવામાં આવ્યા બાદ, વડોદરા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે તેમનો કબજો મેળવ્યો હતો આ બંને આરોપીઓએ અત્રેની એનડીપીએસ કોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી. જોકે, ગુનાની ગંભીરતા, આરોપીઓનો બીજા રાજ્યનો નિવાસ અને તપાસ પર અસર પાડવાની શક્યતા જેવાં કારણોને ધ્યાનમાં લઈને અદાલતે તેમની જામીન અરજી નામંજૂર કરી દીધી.ઉલ્લેખનીય છે કે, આ ગુનાના વડોદરાના ત્રણ અન્ય આરોપીઓની જામીન અરજી પહેલાં જ અદાલત દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. .