Gujarat High Court: વર્ષ 2020માં ભરૂચના દહેજમાં મકાન ખરીદવા માટે વેચાણ કરારની પ્રક્રિયા ચાલુ હોવાનું કારણ બતાવી રહેવા માટે ઘર જોઈએ કહીને કથિત રીતે મકાન ભાડે રાખી ખાલી ન કરવાના મામલામાં સંડોવાયેલા મહિલા આરોપીના જામીન ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધા છે. ગુજરાત હાઈકોર્ટે ચુકાદામાં નોંધ્યું કે મહિલા આરોપીએ ખોટી બાંહેધરી આપી કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને કોર્ટ સમક્ષ આપેલી બાંહેધરીનું પાલન કર્યું નથી.
જસ્ટિસ વિમલ વ્યાસે અરજદાર – આરોપી શિરિન બાનુ રાયસિંઘાનિયાની જામીન અરજી નામંજૂર કરતા જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ મહિલા આરોપી અને તેના પતિ વિરુદ્ધ ગુનો દેખાય છે. આરોપીએ જામીન મેળવવા માટે કોર્ટ સમક્ષ ખોટી બાંહેધરી આપી કે જામીન મેળવ્યાના લગભગ 1 સપ્તાહના સમયગાળામાં તે વિવાદાસ્પદ મિલકતનો કબજો ખાલી કરી દેશે.
ગુજરાત હાઈકોર્ટે આરોપીને 27મી ફેબ્રુઆરી 2025ના રોજ શરતી જામીન આપ્યા હતા. જોકે જામીન મેળવ્યા પછી પણ મકાન ખાલી ન કરતા ફરિયાદી મકાનમાલિકે અરજદારની જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી, જેને માન્ય રાખતા કોર્ટે મહિલા આરોપીના જામીન રદ કર્યા હતા.
જામીનની શરતોનું પાલન કર્યું નથી: હાઈકોર્ટ
અરજદારના વકીલે કોર્ટમાં સ્વીકાર્યું કે આરોપીએ જામીન મેળવ્યા બાદ કોર્ટની શરત પ્રમાણે મકાન ખાલી કર્યું નહોતું. જોકે કોર્ટે ફરીવાર અરજદારના વકીલને પુછ્યું કે શું આરોપી અગાઉ આપેલી બાંહેધરીનું પાલન કરવા તૈયાર છે, ત્યારે જવાબમાં અરજદારના વકીલે કહ્યું કે અરજદાર – મહિલા આરોપી આ શરતોનું પાલન કરવા માટે તૈયાર નથી. જો મહિલા આરોપીને હંગામી જામીન આપવામાં આવે તેમ છતાં તે મકાન ખાલી કરવા તૈયાર નથી.
અરજદારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી કે ભરૂચ કલેકટર હેઠળ લેન્ડ ગ્રેબિંગ સમિતિએ અભિપ્રાય આપ્યો હતો કે આ વિવાદ ભાડુઆત અને મકાન માલિક વચ્ચે દીવાની દાવાનો મામલો છે. અરજદાર મહિલા આરોપી અને તેના પતિએ સમિતિ સમક્ષ જણાવ્યું હતું કે તેમણે ફરિયાદી પાસે મહિને 3 હજાર રૂપિયા ભાડા પેટે અને 1 લાખ રૂપિયા ડિપોઝીટ પેટે જમા કરાવી ઘરનો ઉપરનો માળ ભાડે લીધો હતો. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે આરોપીના વકીલને જરૂરી દસ્તાવેજ અને પુરાવા રજૂ કરવા જણાવ્યું, જોકે તેઓ આ વસ્તુઓ રજૂ કરી શક્યા નહોતા.
ભરૂચ શેસન્સ કોર્ટે 6 જૂન 2025ના રોજ મહિલા આરોપીના જામીન ફગાવ્યા હતા, ત્યારબાદ તેણે જામીન મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજદાર મહિલા આરોપી તરફે ફરિયાદ કરવા માટે પણ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જોકે આ અરજી હજુ કોર્ટમાં પેન્ડિંગ છે.
શું છે સમગ્ર મામલો?
ડિસેમ્બર 2020માં મહિલા આરોપી અને તેના પતિ સાહિલ હુસૈન સૈયદે ફરિયાદીના પુત્ર ફઝલ પટેલને જણાવ્યું હતું કે તેમણે અન્ય જગ્યાએ મકાન ખરીદવા માટે વેચાણ કરારની પ્રક્રિયા ચાલુ હોવાથી 15 દિવસ માટે રહેવા માટે ઘર જોઈએ. માનવતાના ધોરણે ફરિયાદીએ આરોપીને ઘરનો ઉપરનો માળ રહેવા માટે આપ્યો, જોકે જણાવવામાં આવેલા સમયગાળા બાદ પણ આરોપીઓએ ઘર ખાલી ન કરતા 22મી જુલાઈ 2023ના રોજ ફરિયાદી આ બાબતે ભરૂચ કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી, જેના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.